- નકલી ડોક્ટર ચીખલીના સારવણી ગામે ગેરકાયદે દવાખાનું ચલાવતો હતો
- પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉકટરને સાથે રાખી કરી કાર્યવાહી
- આરોપી ડોક્ટરની ધરપકડ કરી ચીખલી પોલીસને સોંપ્યો
નવસારીઃ જિલ્લા પોલીસે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગેરકાયદે ક્લિનિક ચલાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટર સામે નવસારી જિલ્લા પોલીસે લાલ આંખ કરી છે, જેમાં આજે સતત ત્રીજા દિવસે એસ.ઓ.જી. પોલીસે ચીખલીના સારવણી ગામેથી ત્રીજા બોગસ ડોક્ટરને ઝડપી પાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં આવા અનેક નકલી ડોક્ટર ગરીબોના આરોગ્ય સાથે રમત રમતા હોય છે, પણ આરોગ્ય વિભાગની કાર્યવાહી સામે પ્રશ્નાર્થ ઉભા થાય છે.
આ પણ વાંચો- વડોદરા ક્રાઈમબ્રાન્ચે કોરોનાનો નકલી રિપોર્ટ બનાવી ઓનલાઈન પૈસા પડાવતા આરોપીની ધરપકડ કરી
નકલી ડોક્ટરના દવાખાનામાંથી 56,000 રૂપિયાથી વધુની કિંમતની દવાનો જથ્થો કબજે કરાયો
કોરોના કાળમાં બિલાડીની ટોપની જેમ એલોપેથી સારવાર આપવા ઉભરી આવેલા નકલી ડોક્ટરની સામે એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લાના ગામડાઓમાં અને શહેરી વિસ્તારના શ્રમિક વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે દવાખાના ચલાવતા નકલી ડોક્ટરને પકડીને પોલીસ કાયદાકીય કાર્યવાહી કરી રહી છે, જેમાં અઠવાડિયાની અંદર જ સ્પેશિયલ ઓપરેશન ગૃપ પોલીસે બાતમીદારોને આધારે એક પછી એક એમ ત્રણ બોગસ ડોક્ટરોને ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો- અંકલેશ્વરમાં નકલી ડોક્ટર બનીને સારવાર કરનારો આરોપી ઝડપાયો
પોલીસે 56 હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો
નવસારીના અલીફનગર અને ચીખલીના માંડવખડક ગામેથી પકડાયેલા બોગસ ડોક્ટર્સ બાદ સતત ત્રીજા નકલી ડોક્ટરને પોલીસે ઝડપી પાડયો છે. ચીખલી તાલુકાના સારવણી ગામે દવાખાનું ચલાવતા અને મૂળ વલસાડના સોનવાડા ગામે રહેતા સંજય રમેશ સોનાવાલા (49)ને ત્યાં, પોલીસે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડો. સુમિત પટેલને સાથે રાખી દરોડા પાડ્યા હતા. જ્યાં નકલી ડોક્ટર સંજય સોનાવાલા પાસે ઈન્ડિયન મેડિકલ કાઉન્સીલ કે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું કોઈપણ પ્રમાણપત્ર નહતું, જેથી પોલીસે યોગ્ય ડિગ્રી વિના ગરીબોના આરોગ્ય સાથે ચેડા કરતા આરોપી નકલી ડોક્ટર સંજય સોનાવાલાની ધરપકડ કરી હતી. આ સાથે જ ઘટનાસ્થળેથી 56,593 રૂપિયાની દવા અને મેડિકલ સાધનો કબજે કર્યા હતા. પોલીસે આરોપી સંજય વિરૂદ્ધ ચીખલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી આગળની તપાસ ચીખલી પોલીસને સોંપી છે.
નકલી ડોક્ટર પર આરોગ્ય વિભાગ રાખી રહ્યું હતું નજર
કોરોના કાળમાં આયુર્વેદિક કે હોમિયોપેથિક ડિગ્રી ધરાવતા ડોક્ટરો નિયમ વિરૂદ્ધ એલોપેથીની પણ પ્રેક્ટિસ કરતા કરતા થઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આવા નકલી ડોક્ટર પર આરોગ્ય વિભાગ સીધી રીતે નજર રાખે એ જરૂરી છે, પરંતુ જિલ્લા પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ આવા બોગસ ડૉક્ટરોને પકડી રહ્યું છે. બોગસ ડૉક્ટરો મુદ્દે નવસારી જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. દિલીપ ભાવસારને પૂછતા તેમણે જણાવ્યું કે, ત્રણ વર્ષમાં અમે આવી રીતે બોગસ ડોક્ટરો વિશે સરવે કે કોઈ કાર્યવાહી કરી નથી. આરોગ્ય વિભાગ સીધી રીતે આવા બોગસ ડૉક્ટરો પર કાર્યવાહી કરતું નથી. પોલીસ દ્વારા જ્યારે પણ યાદી આપવામાં આવે કે મદદ માગવામાં આવે ત્યારે જિલ્લાના આરોગ્ય વિભાગના ડૉક્ટરોને તેમને ફાળવવામાં આવે છે. જેથી જે કાર્યવાહી આરોગ્ય વિભાગે કરવાની હોય, એ પોલીસ કરી રહી હોવાની લોક ચર્ચાઓ પણ ઉઠવા પામી છે.