- નેશનલ હાઈવે નં. 48 પર પકડાયો દારૂ ભરેલો ટેમ્પો
- 18.81 લાખ રૂપિયાનો વિદેશી દારૂ સાથે 1ની ધરપકડ
- 1 આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો
નવસારી : નેશનલ હાઇવે નં. 48 પર નવસારીના બોરીયાચ ટોલનાકા પાસેથી નવસારી LCB પોલીસે બાતમીને આધારે પ્લાસ્ટિકની બોટલોના બોક્સ પાછળ સંતાડેલા 18.81 લાખના વિદેશી દારૂ સાથે એકની ધરપકડ કરી છે. જ્યારે દારૂ ભરાવનાર અશોક કાઠીયાવાડીને પોલીસે વોન્ટેડ જાહેર કરી તપાસ આરંભી છે.
બાતમીના આધારે ધરપકડ
નવસારી LCB પોલીસની ટીમે સોમવારે રાત્રે નેશનલ હાઇવે નં. 48 પર પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, વલસાડ તરફથી વિદેશી દારૂ ભરેલો એક બંધ બોડીનો ટેમ્પો સુરત તરફ જઈ રહ્યો છે. જેના આધારે પોલીસે નવસારી તાલુકાના બોરીયાચ ગામે હાઇવે પર સ્થિત બોરીયાચ ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તપાસ કરતા, તેમાં પ્લાસ્ટિકની બોટલોના બોક્સ પાછળ સંતાડેલ 18.81 લાખ રૂપિયાની વિસ્કી અને બીયરની મળી કુલ 12,432 બોટલો મળી આવી હતી.
આ પણ વાંચો : શું ફક્ત વેક્સિન લેનારાને જ દારૂ વેંચવામાં આવશે ?
એક આરોપી વોન્ટેડ જાહેર કરાયો
પોલીસે ટેમ્પો ચાલક અને ખેરગામ તાલુકાના ધામધુમા ગામે રહેતા 48 વર્ષીય જયસિંગ ગાવિતની ધરપકડ કરી હતી. જ્યારે ઘટના સ્થળેથી વિદેશી દારૂ રૂપિયા 4.50 લાખનો ટેમ્પો અને 1,700 રૂપિયા રોકડા મળી કુલ રૂપિયા 23.35 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ભીલાડના સરીગામ ત્રણ રસ્તા ખાતેથી દારૂ ભરેલો ટેમ્પો આપનાર અશોક કાઠીયાવાડીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. સમગ્ર મુદ્દે નવસારી ગ્રામ્ય પોલીસ મથકે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : વાપીમાં પોલીસે કારમાં છુપી રીતે દારૂ લાવતા એક આરોપીની ધરપકડ કરી, 3 આરોપી વોન્ટેડ જાહેર