- વસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે ઓવર બ્રિજનું થયુ ભૂમિપૂજન
- ઓવર બ્રિજ બનતા પૂર્વ-પશ્ચિમના ટ્રાફિકનાં લોકોને ટ્રાફિકથી મળશે છૂટકારો
- પૂર્વની જમીન સંપાદનને લઇને અટવાયેલો બ્રિજ શરૂ થતા શહેરીજનોમાં આનંદની લાગણી
નવસારી: ભારત સરકારના માલગાડીઓ માટેના ડેડીકેટેડ ફ્રેટ કોરીડોર અંતર્ગત પશ્ચિમ રેલ્વેની તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. જેમાં નવસારીના વિજલપોર સ્થિત ફાટક નંબર 126 પર વર્ષોથી પૂર્વની જમીન સંપાદનને લઇ અટવાયેલા રેલ્વે ઓવરબ્રિજને આજે શુક્રવારે લીલી ઝંડી મળી હતી. જેથી નવસારીના સાંસદ અને ભાજપ પ્રદેશ પ્રમુખના હસ્તે 39.68 કરોડના ખર્ચે નિર્માણ પામનારા ઓવર બ્રિજનું ભૂમિપૂજન થતાં શહેરીજનોમાં આનંદની લાગણી જોવા મળી હતી.
ગ્રાન્ટ મળ્યા બાદ નવ વર્ષોથી સંપાદન ન થવાથી અટકેલા વિજલપોર ઓવર બ્રિજનું ભૂમિપૂજન
ભારત સરકારની મહાત્વાકાંક્ષી યોજનાઓમાની એક માલગાડીઓ માટે અલાયદા ડેડીકેટેડ ફ્રેટ કોરીડોરનું કામ પ્રગતિ પર છે. મુંબઇથી-દાદરી સુધીના પ્રથમ ચરણમાં રેલ્વે લાઇન પર આવતી તમામ રેલ્વે ફાટકોને માનવ રહિત કરવાની યોજના છે. જેમાં 10 વર્ષોથી ડીએફસીસીનું કામ ચાલી રહ્યું છે, પરંતુ જમીન સંપાદન બાદ રેલ્વે ઓવર બ્રિજ પણ સંપાદનના આભાવે ઘણી જગ્યાએ અટકી ગયા હતા. નવસારી જિલ્લામાં પણ મરોલી, સાગરા, નવસારી, વિજલપોર, ગાંધીસ્મૃતિ, અમલસાડ, બીલીમોરા, દેસરા સ્થિત રેલ્વે ફાટકોને બંધ કરી રેલ્વે ઓવર બ્રિજ બનાવવામાં આવશે. જેમાં નવસારી, વિજલપોર અને અમલસાડને છોડીને લગભગ બધી ફાટકોએ ઓવર બ્રિજનું કામ પ્રગતિ પર છે. જેમાંથી ગાંધીસ્મૃતિનો ઓવર બ્રિજ પૂર્ણતાને આરે પહોંચ્યો છે. વિજલપોર અને નવસારીના ઓવરબ્રિજ માટેની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સરકારમાંથી વર્ષ 2012માં મળી હતી, પરંતુ વિજલપોરમાં ટીપી સ્કીમના આભાવે જમીન સંપાદનની કામગીરી ખોરંભે પડી હતી. જો કે, વર્ષોની મહેનત બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને વેગ મળતા આજે શુક્રવારે વિજલપોર રેલ્વે ફાટક પાસે ઓવર બ્રિજની કામગીરીનો આરંભ થયો છે.
ઓવર બ્રિજથી ટ્રાફિક સમસ્યાનું આવશે નિરાકરણ
રેલ્વે ઓવર બ્રિજનું કામ શરૂ થતાં નવસારીના પશ્ચિમ વિસ્તારના ગામડાઓમાંથી વિજલપોર થઇ નવસારી આવતા ગ્રામીણોને તેમજ શહેરમાંથી પશ્ચિમમાં અભ્યાસ અર્થે જતા વિદ્યાર્થીઓને આવન-જાવનમાં સરળતા રહેશે. આ સાથે જ લાંબા સમય સુધી ટ્રાફિકમાં હેરાન થવાની સમસ્યાનું પણ નિરાકરણ આવશે.
11 મહિનામાં ઓવર બ્રિજનું કામ પૂર્ણ કરવાનો ટાર્ગેટ
વિજલપોરની 126 નંબરની રેલ્વે ફાટક પર 39.67 કરોડ રૂપિયાનાં ખર્ચે અંદાજે 1 કિલોમીટર લાંબો (931.384 મીટર) અને 7.50 મીટર પહોળો 2 લેનનો ઓવર બ્રિજ બનશે. જેને 11 મહિનામાં પૂર્ણ કરવાનો ટાર્ગેટ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઓવર બ્રિજનું કામ શરૂ તો થયુ, પરંતુ પૂર્વ તરફના ઘરોની જમીન સંપાદિત થવા પર બ્રિજના પૂર્ણ થવાની સંભાવના જોવાઇ રહી છે.