- ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ કરશે હોસ્પિટલનો શિલાન્યાસ
- 8 એકરમાં ફેલાયેલા એ. એમ. નાયક હેલ્થ કોમ્પલેક્ષમાં આકાર લેશે નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ
- કેન્સર હોસ્પિટલની ભેટ મળ્યા બાદ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્પિટલ બનાવવામાં આવશે
નવસારી: નવસારીના પનોતા પુત્ર અને ભારતની અગ્રણી કંપનીઓમાંની એક L&Tના ચેરમેન, પદ્મ વિભૂષણ અનિલ નાયકની પૌત્રીની યાદમાં નવસારીને નિરાલી કેન્સર હોસ્પિટલની ભેટ મળ્યા બાદ હવે અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની ભેટ મળવા જઇ રહી છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુના હસ્તે શુક્રવારે હોસ્પિટલનો શિલાન્યાસ થશે. આ હોસ્પિટલ અનિલ નાયકની સમાજ ઉપયોગી સફર અને ઉત્કૃષ્ટ તબીબી સારવાર આપવાના મિશનનો ભાગ છે.
ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુના આગમન માટે તૈયારીઓ શરૂ કરાઈ કેન્સર હોસ્પિટલની સુવિધા સાથે જ મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલની પણ ભેટ અદ્યતન સુવિધાયુક્ત હોસ્પિટલોના અભાવ વચ્ચે નવસારીના એંધલ ગામના જ અનિલ નાયકની પૌત્રીએ 2 વર્ષની વયે આ ફાની દુનિયાને અલવિદા કહ્યું હતું. જેની યાદમાં નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. આ ટ્રસ્ટના નેજા હેઠળ નવસારીમાં હાઇવેની બાજુમાં જ 8 એકર જમીનમાં અદ્યતન સુવિધાઓથી સજ્જ નિરાલી કેન્સર હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. એક જ પરિસરમાં નવસારીના લોકોને ઉત્કૃષ્ટ આરોગ્ય સુવિધા મળી રહે એવા ઉમદા હેતુથી નિરાલી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ આકાર લેશે. જેમાં જનરલ મેડિસીન, જનરલ સર્જરી, કાર્ડિયોલોજી અને કાર્ડિયોથોરાસિક સર્જરી, નિઓનેટોલોજી સહિત પીડિયાટ્રિક, ઓબ્સ્ટેટ્રિક અને ગાયનેકોલોજી, ઓર્થોપેડિક, ક્રિટિકલ ટ્રોમા કેર સહિત તમામ અત્યાધુનિક સારવાર ઉપલબ્ધ થશે.