નવસારી: નવસારી જિલ્લાની પૂર્વ પટ્ટી વિસ્તારમાં ચીખલી, વાંસદા, ખેરગામના જંગલ વિસ્તારમાં દીપડાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. જંગલોના નિકંદનના કારણે દીપડાઓ શિકારની શોધમાં માનવ વસ્તી તરફ આગળ આવી જતા હોય છે. ત્યારે નવસારી જિલ્લામાં માનવભક્ષી દીપડાએ 24 વર્ષની યુવતીને શિકાર બનાવતાં તેનું મોત નીપજ્યું છે, જેને લઇને લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
યુવતી પર દીપડાનો હુમલો: ચીખલી તાલુકાના સાદકપુર ગામના પહાડ ફળિયામાં રહેતી છાયા નાયકા નામની યુવતી સાંજના સમયે પોતાના ઘરની પાછળ આવેલા વાડામાં કુદરતી હાજતે ગઈ હતી. તે દરમિયાન ધાપ જમાવીને બેસેલા દીપડાએ યુવતીને શિકાર બનાવી હતી. જેમાં ગળાના ભાગે પંજા માર્યા હતા અને અંદાજિત 20 ફૂટ દૂર સુધી ઘસડી ગયો હતો. યુવતીને દીપડાએ ફાડી ખાતા યુવતીનું મોત થયું છે.
દીપડાને પકડવા લોકોની માંગ: વન વિભાગને અગાઉ જાણ કરવા છતાં યોગ્ય પગલાં ન લેતા માનવભક્ષી દીપડાએ યુવતીને શિકાર બનાવી છે. સાંજના સાત વાગ્યાના સમયે જ આવી ઘટના બનતા ગ્રામજનોમાં ભયનો માહોલ ઊભો થયો છે. બીજી તરફ ચીખલી વિસ્તારમાં જે તે દિવસે દીપડાએ વાછરડાનું પણ મારણ કર્યું હતું. ત્યારે લોકો વન વિભાગ વહેલી તકે દીપડા પકડવા માટે પાંજરા મૂકે તેવી માંગ કરી રહ્યા છે.
જંગલો ઓછા થવાના કારણે હિંસક પ્રાણીઓ માનવ વસ્તી તરફ આગળ વધી રહ્યા છે. ખાસ કરીને પશુપાલન ધરાવતા વિસ્તારોમાં દીપડાઓ આવી જતા કોઈક વાર તેઓ આવા હિંસક હુમલાઓ કરી દેતા હોય છે. ત્યારે હવે દીપડાથી બચવા માટે પોતે જ સ્વરક્ષણનો ઉપાય શોધી સતર્ક રહેવું પડશે. પોતાના ઘરની પાછળ આવેલા વાળાઓમાં સતત લાઈટ ચાલુ રાખવી કે આગ થોડી સળગાવી રાખવી અને જાહેરમાં હાજતે ન જવા માટે અપીલ કરી હતી. - આકાશ પરસાળા, આરએફઓ, ચીખલી રેન્જ