નવસારી: જિલ્લાના જલાલપોર તાલુકાના નડોદ ગામના પાટિયા નજીક આવેલી HLE કંપનીમાં કામ કરતા કામદારો માટે કંપની પરિસરમાં પતરાના શેડમાં કામદારો માટે ઝુપડા બનાવવામાં આવ્યા છે. આ ઝુપડાઓમાં શુક્રવારે સાંજે આગ લાગતા નાસભાગ મચી જવા પામી હતી. આગને કારણે બે ઝુપડાઓમાં એલપીજી ગેસના સીલીન્ડરોમાં બ્લાસ્ટ થયા બાદ આગે વિકરાળરૂપ ધારણ કર્યું છે.
ઘટનાને પગલે કામદારોએ આગ બુઝાવવાનો પ્રયાસ કરવા સાથે જ નવસારી પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ઇન્ચાર્જ કિશોર માંગેલા તેમજ ફાયર કર્મીઓ બે ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. કેમિકલ કંપની હોવાથી આગ આગળ ન ફેલાય એ માટે વિજલપોર અને સચિન ફાયરને પણ જાણ કરાતા તેઓ પણ ફાયર ફાઈટરો સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. જેમાં સંયુક્ત રીતે તેમણે પાણીનો મારો ચલાવી ૧ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
જોકે આગમાં 10 થી 12 ઝુપડાઓ સંપૂર્ણ બળીને ખાક થઇ ગયા હતા. પ્રાથમિક તબક્કે ગેસ સીલીન્ડરો ફાટવાને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવામાં આવ્યુ હતું. જયારે આગને કારણે કોઈ જાનહાની કે કોઈને ઈજા પણ ન થતા કંપની સહીત તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.