- પૈડામાં લાગેલા બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરીને ધુમાડો ઉઠતા પ્રવાસીઓ ગભરાયા હતા
- ટ્રેનને સ્ટેશને રોકીને પૈડાના બ્રેક પેડ બદલવામાં આવ્યા
- 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરાઈ
નવસારીઃ અમદાવાદથી મુંબઈ જઇ રહેલી ડબલ ડેક્કર ટ્રેન સોમવારે સવારે 9:40 વાગ્યે નવસારી પહોંચી હતી, પરંતુ ચાલકે બ્રેક મારતા ટ્રેનના C-7 કોચના પૈડાંના બ્રેક પેડ ઘસાતા ચણખા ઝરવા સાથે જ આગ લાગી હોય એમ ધુમાડો નીકળતા રેલવે પ્લેટફોર્મ અને ટ્રેનમાં સવાર પ્રવાસીઓમાં ગભરાટ છવાયો હતો.
ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ
ટ્રેનમાં આગ લાગી હોવાની અફવા સોશિયલ મીડિયામાં ફેલાઈ હતી. ઘટનાની જાણ થતા નવસારી સ્ટેશન મેનેજર ઉદય સિંગ તેમજ ટેક્નિકલ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો. ત્યારે બ્રેક પેડમાં તકલીફ જણાતા તાત્કાલિક બ્રેક પેડ બદલી નાંખ્યા હતા અને 20 મિનીટ બાદ ટ્રેનને આગળ રવાના કરવામાં આવી હતી.
બ્રેક પેડમાં તકલીફ આવે તે સામાન્ય ઘટના
નવસારી રેલવે વિભાગના અધિકારીઓના જણાવ્યાં અનુસાર ટ્રેનના પૈડાંઓને થોભાવવા માટે જેમ વાહનોમાં બ્રેકનું મેકેનિઝમ હોય છે, એજ પ્રમાણે ટ્રેનમાં બ્રેક પેડ હોય છે. ઘણીવાર બ્રેક પેડ ઘસાવાને કારણે ચણખા ઝરતા હોય છે અને ક્યારેક વધુ તકલીફ હોય, તો ધુમાડો પણ નીકળે છે, જે સામાન્ય ઘટના છે. આજે અમદાવાદ મુંબઇ એસી ડબલ ડેક્કર ટ્રેનમાં પણ આગ નહીં પણ બ્રેક પેડ ઘસાવાને કારણે ધુમાડો નીકળ્યો હતો. જેને બદલી નાંખવામાં આવ્યાં હતા અને ટ્રેનને આગળ રવાના કરાઈ હતી.