- 5 ટેન્ક મળી 7.50 ટન લિક્વિડ ઓક્સિજન મળી રહેશે
- ઓક્સિજન ટેન્ક કાર્યરત થતા ઓક્સિજનના 500થી વધુ બાટલાઓ થશે ફ્રી
- સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા 125 દર્દીઓને થશે ફાયદો
નવસારી: જિલ્લામાં છેલ્લા બે મહિનામાં કોરોના કેસમાં ધરખમ વધારો થયો છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે 175 બેડની અલગ વ્યવસ્થા ઉભી કરાઇ છે. જેમાંથી હાલ 125 દર્દીઓ ઓક્સિજન અને 30 દર્દીઓ વેન્ટિલેટર હેઠળ છે. જેમને સિવિલ હોસ્પિટલ ઓક્સિજનના બાટલા વડે સેન્ટ્રલાઈઝ ઑક્સિજન પુરૂ પાડી રહી હતી. પરંતુ ઓક્સિજનના બાટલાની અછત સર્જાતા કોરોનાના દર્દીઓને મુશ્કેલી વેઠવી ન પડે, એટલે તંત્ર દ્વારા હંગામી ધોરણે લિક્વિડ ઓક્સિજનના 5 પોટ્રા ટેન્ક લગાવવામાં આવ્યા છે. જે ખાનગી કંપની પાસેથી માસિક ભાડે લેવામાં આવ્યા છે. સાથે જ ટેન્ક ક્રિયાન્વિત કરવા માટે અંદાજિત દોઢ લાખ રૂપિયાનું મીટર લગાવ્યુ છે. જેના દ્વારા હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પૂરતા પ્રમાણમાં અને જરૂરિયાત મુજબ ઓક્સિજન મળી રહેશે.
આ પણ વાંચો : પાટણ સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજન ટેન્ક ઉભી કરાઈ
નવા 50 ઓક્સિજન પોઇન્ટ બનાવાયા જેમાંથી 22 કાર્યરત થયા
ઓક્સિજન ટેન્ક શરૂ થતા હવે સિવિલ હોસ્પિટલ ફક્ત સો ઓક્સિજનના બાટલા ઈમરજન્સી માટે રાખી રહી છે. જ્યારે અંદાજે 500થી વધુ બાટલો ફ્રી થતા જિલ્લાની અન્ય સરકારી કે ખાનગી હોસ્પિટલોને એનો લાભ મળી શકશે. જ્યારે દોઢ ટનનો એક ટેન્ક મળી કુલ 7.50 ટનના પાંચ ટેન્ક અવિરત 24 કલાક સુધી ચાલતા રહેશે. જેથી હોસ્પિટલમાં દર્દીઓને મુશ્કેલી ન પડે. આ સાથે જ હોસ્પિટલમાં નવા 50 ઓક્સિજન પોઇન્ટ પણ બનાવવામાં આવ્યા છે. જેમાંથી 22 કાર્યરત થયા છે અને બાકીનું કામ પ્રગતિમાં છે.
આ પણ વાંચો : સયાજી હોસ્પિટલમાં 20 હજાર લીટર ક્ષમતા ધરાવતી ઓક્સિજન ટેન્કને સ્થાપિત કરાઇ
સિવિલ હોસ્પિટલમાં જ 200 કિલો ઓક્સિજન બનશે
નવસારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થતા કોરોના દર્દીઓને ઓક્સિજન કે વેન્ટિલેટરને કારણે જીવ ન ગુમાવવા પડે એ માટે તંત્ર દ્વારા પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગત દિવસોમાં ઓક્સિજનની અછતની બુમરાણ વચ્ચે સિવિલ હોસ્પિટલમાં લિક્વિડ ઓક્સિજનના ટેન્ક શરૂ કરવામાં આવ્યા છે. જેની સાથે હવે હોસ્પિટલમાં જ 200 કિલો ઓક્સિજન હવામાંથી બની શકે, એ પ્રકારનો પ્લાન્ટ લગાવવાની તૈયારી સિવિલ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે. જેના માટે જરૂરી ટેન્ક અને ઇક્વિપમેન્ટ સિવિલ હોસ્પિટલ પહોંચી ચૂક્યા છે. બેથી ત્રણ દિવસમાં આ ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થાય એવી આશા સિવિલ સર્જન સેવી રહ્યા છે.