- ગણદેવી તાલુકામાં સૌથી વધુ 28 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા
- નવસારીમાં કોરોના પોઝિટિવ કેસનો કુલ આંક 2,000ની નજીક પહોંચ્યો
- જિલ્લામાં હાલ 209 કોરોના સંક્રમિતો સારવાર હેઠળ
નવસારી: નવસારીમાં વધી રહેલો કોરોના દરરોજ નવો રેકોર્ડ બનાવી રહ્યો છે. જેમાં ગઈકાલે કોરોનાના 47 નવા પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેમાંથી ગણદેવી તાલુકામાં જ સૌથી વધુ 28 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા છે. જ્યારે જિલ્લામાં કોરોના ડબલ સેન્ચૂરી ફટકારીને 209 રને અણનમ રહ્યો છે.
નવસારીમાં આજે 15 દર્દીઓએ કોરોનાને હરાવ્યો
નવસારીમાં કોરોના શહેરી વિસ્તારોને છોડીને હવે ગામડાઓમાં પોતાની પકડ મજબૂત બનાવી રહ્યો છે. જેના પરિણામે શહેર કરતાં ગામડાંઓમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. નવસારીમાં ગઈકાલે 47 લોકો કોરોના સંક્રમણનો ભોગ બન્યા હતા. જેમાંથી સૌથી વધુ 28 દર્દીઓ ગણદેવી તાલુકામાં નોંધાયા હતા. કોરોનાના વધતા કેસોને કારણે બે મહિનામાં જ કોરોના ડબલ સેન્ચૂરી ફટકારી ચૂક્યો છે. જેની સાથે જ જિલ્લામાં કોરોના કેસોની કુલ સંખ્યા 2,000ની નજીક પહોંચી ગઈ છે. જ્યારે ગઈકાલે 15 લોકોએ કોરોનાને મ્હાત આપતા તેમને રજા આપવમાં આવી હતી.
આ પણ વાંચો: નવસારીમાં કોરોનાના વધુ 10 કેસો નોંધાયા
નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર અર્થે સુવિધા ઉપલબ્ધ કરાવવા તંત્રના પ્રયાસો
જ્યાં કોરોના કેસો વધી રહ્યા છે ત્યાં શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બેડની સંખ્યા ઓછી છે. સાથે ઓક્સિજન, વેન્ટિલેટર તેમજ રેમડેસિવીર ઇન્જેક્શનોની પણ અછત વર્તાઈ રહી છે. જોકે, તંત્ર દ્વારા જિલ્લામાં નવસારી સિવિલ હોસ્પિટલ સહિત અન્ય 10 ખાનગી હોસ્પિટલોને કોરોના સારવાર માટે માન્યતા અપાઇ છે. સાથે જ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પણ કોરોનાની સારવાર મળી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. જ્યારે જિલ્લામાં વેન્ટિલેટરની સંખ્યા વધારવા સાથે ઓક્સિજનની માત્રા પણ પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટેના પ્રયાસો તંત્ર કરી રહ્યું છે.
કોરોનાને કારણે 12 મોત, પણ આરોગ્ય વિભાગના ચોપડે શુન્ય
નવસારીમાં કોરોના સંક્રમણ વધવાની સાથે જ હોસ્પિટલ ફૂલ થઇ છે. જ્યારે છેલ્લા થોડા દિવસોમાં કોરોનાને કારણે મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ વધી છે. જોકે, આરોગ્ય તંત્ર દ્વારા ગત 6 ફેબ્રુઆરી બાદ મોતનો આંકડો વધારાયો નથી. આરોગ્ય વિભાગ પ્રમાણે જિલ્લામાં 102 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે, પરંતુ એનાથી વિપરીત હકીકત કંઈક ઓર જ છે. નવસારીમાં ગઈકાલે નવસારી સિવિલ હોસ્પિટલમાં જ 6 કોરોનાના દર્દીઓએ અને ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનામાં 6 લોકોએ જીવ ગુમાવ્યો હતો. જેથી જિલ્લા તંત્ર સાથે આરોગ્ય વિભાગ પણ કોરોના મોતના આંકડા છુપાવી રહ્યું હોવાની ફરિયાદો વધી છે.
આ પણ વાંચો: ભાજપના વિનામૂલ્યે ઈન્જેક્શન વિતરણ પર ઉઠ્યા સવાલો
નવસારીમાં રેમડેસિવીર ઇન્જેક્શનની અછત
નવસારી જિલ્લામાં કોરોનાના વધતા કેસો વચ્ચે રેમડેસિવીર ઇન્જેક્શનોની અછત વર્તાઈ રહી છે. નવસારી સિવિલ હોસ્પિટલ સિવાય ખાનગી હોસ્પિટલોમાં રેમડેસિવીર ઇન્જેક્શનો મળવા મુશ્કેલ બન્યા છે. જેને કારણે કોરોના દર્દીઓના પરિજનો રેમડેસિવીર ઇન્જેક્શન મેળવવા વલખા મારી રહ્યા છે. જિલ્લા ભાજપે હજાર રેમડેસિવીર ઇન્જેક્શનની વ્યવસ્થા કરી હતી, પરંતુ ઇન્જેક્શનને લઈને રાજકીય વાતાવરણ ડોહળાતા ભાજપ કાર્યાલયથી ઇન્જેક્શનો મળવા મુશ્કેલ બન્યા છે. જેથી સરકાર સુરતની જેમ નવસારી જિલ્લામાં પણ રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો ખાનગી હોસ્પિટલો માટે પણ ઉપલબ્ધ કરાવે એ જરૂરી બન્યું છે.