નવસારીઃ કોરોનાને કારણે નવસારી જિલ્લામાં વસેલા પરપ્રાંતીય શ્રમિકોની કફોડી સ્થિતિ બની હતી. રોજગાર બંધ થતા ટ્રેનો દ્વારા વતન રવાના કરાયા હતાં. જેમાં ગણદેવી તાલુકામાંથી રવિવારે સવારે 14 બસ દ્વારા 461 શ્રમિકોને નવસારી રેલવે સ્ટેશન પહોંચાડ્યાં હતા. જ્યાંથી વિશેષ ટ્રેન દ્વારા ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રવાના થયા હતા. દોઢ મહિનાથી વધુ સમયથી લોકડાઉન સહન કરી રહેલા શ્રમિકોના ચહેરા પર સ્પષ્ટ આનંદ છલકાતો જોવા મળ્યો હતો.
કોરોનાની મહામારીએ ઉદ્યોગ-ધંધા અને અન્ય રોજગાર બંધ કરતા ખાસ કરીને શ્રમિક તેમજ મધ્યમ વર્ગીય પરિવારોની આર્થિક સ્થિતિને અસર કરી છે. જેમાં 40 દિવસના લોકડાઉન બાદ સરકારે આપેલી છૂટછાટમાં શરૂ થયેલી વિશેષ ટ્રેન મારફતે નવસારી જિલ્લામાં વસતા ઉત્તર પ્રદેશ અને બિહારના અંદાજે 5 હજાર શ્રમિકો પોતાના વતન જવા તૈયાર થયા હતાં. જેમની વહીવટી તંત્ર દ્વારા નોંધણી કર્યા બાદ રેલવે પાસે ચાર ટ્રેનોની માંગણી કરવામાં આવી હતી. જેમાં ત્રણ યુપી માટે અને એક બિહાર માટેની ટ્રેન રેલવેએ ફાળવતા નવસારી જિલ્લામાંથી પરપ્રાંતિયો મજૂરોને તેમના વતન મોકલવાની વ્યવસ્થા તંત્ર દ્વારા કરવામાં આવી છે. જેમાં ગત રોજ શનિવારે પ્રથમ નવસારીથી ઉપડેલી વિશેષ ટ્રેનમાં 1163 મજૂરો યુપીના પ્રયાગરાજ પહોંચ્યા હતા. ત્યારબાદ બીજી બે ટ્રેનો પ્રયાગરાજ અને લખનઉ માટે ઉપડી હતી. જેમાં રવિવારે સવારે ગણદેવી તાલુકામાં બીલીમોરા નગર પાલિકા વિસ્તારમાં રહેતા 265 પરપ્રાંતિય શ્રમિકોનું સોમનાથ મહાદેવ મંદિરના મેદાનમાં મેડિકલ સ્ક્રિનિગ કરવામાં આવ્યુ હતું.
જ્યાંથી 8 એસટી બસોમાં 5 નાના બાળકો અને 265 શ્રમિકોને હસીખુશી વિદાય આપવામાં આવી હતી. જ્યારે ગણદેવી સુગર ફેક્ટરી પરિસરમાં ગણદેવી ગ્રામ્ય વિસ્તારના 194 શ્રમિકો અને ગણદેવી પાલિકા વિસ્તારના બે શ્રમિકો મળી 196 શ્રમિકોનું તબીબી પરીક્ષણ કરાયા બાદ 6 બસોમાં નવસારી રેલવે સ્ટેશન લઇ જવાયા હતાં. આમ સમગ્ર તાલુકામાંથી રવિવારે સવારે 9 વાગ્યે 461 શ્રમિકોએ વતનની વાટ પકડી હતી. ગણદેવીથી પોતાના માદરે વતન જવાની ઉત્કંઠા શ્રમિકોના ચહેરા પર દેખાવા સાથે જ ખુશી પણ જોવા મળી હતી.
આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ, ચીખલી પ્રાંત અધિકારી દિગ્વિજય જોગીયા, તાલુકા વિકાસ અધિકારી કીર્તિ ગરાસીયા, મામલતદાર અશોક નાઈક, બીલીમોરા નગરપાલિકા પ્રમુખ મનીષ નાયક, સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, આરોગ્યની ટીમ અને પોલીસ ખડેપગે હાજર રહ્યા હતા.