નવસારીઃ કોરોનાની મહામારીથી ભારતને બચાવવા ભારત સરકારે સમગ્ર દેશને લોકડાઉન કર્યાના 28 દિવસો સુધી નવસારી જિલ્લો કોરોના વાયરસના સંક્રમણથી બચ્યો હતો. પરંતુ કોરોના, હોટ સ્પોટ બનેલા સુરતના રસ્તે નવસારીમાં પ્રવેશ્યો હતો. જેમાં પખવાડીયામાં 8 કેસો નોંધાયા હતા. અને જે તમામે કોરોનાને હરાવતા નવસારી કોરોના મુક્ત બન્યો હતો.
જયારે લોકડાઉન 3 અને 4 માં ભારત સરકારે આપેલી છૂટછાટોને જોતા ગુજરાત સરકારની ગાઈડ લાઈન અનુસાર જિલ્લા પોલીસે આંતર જિલ્લા અને રાજ્ય ચેક પોસ્ટ પર ચુસ્ત બંધોબસ્ત રાખ્યો છે. જ્યાં આંતર રાજ્યમાંથી આવતા લોકોની આરોગ્ય તપાસ કરાવવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેની સાથે જ આરોગ્ય કર્મીઓની ટીમ પણ ચેક પોસ્ટ પર રાખવામાં આવી છે. જે થર્મલ સ્ક્રીનીંગ સાથે વાહન ચાલકોની વિગત પણ લે છે. પરંતુ આરોગ્ય કર્મીઓ ફક્ત સવારથી બપોર સુધી જ પોઈન્ટ પર રહેતા હોવાની ફરિયાદો પણ સામે આવી છે.
જેમાં અત્યાર સુધીમાં બીજા 10 કોરોના પોઝિટીવ નોંધાતા, નવસારીનો કુલ આંકડો 18 પર પહોંચ્યો છે, જોકે આરોગ્ય વિભાગે આંકડા ઘટાડવા 3 કેસ મુંબઈમાં ગણાયા હોવાનો રાગ આલાપ્યો હતો. જોકે એ ત્રણેયને નવસારીની કોવીડ ૧૯ હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે.
નવસારીમાં અન્ય રાજ્ય અને જિલ્લાઓમાંથી આવનારાઓની સંખ્યા 4,934 પર પહોંચી છે. જેમાં અન્ય રાજ્યમાંથી 1,382 લોકો આવ્યા છે. અને તેમને હોમ ક્વોન્ટાઇન કરાયા છે. જેમાં કોરોનાના હોટ સ્પોટ મુંબઈથી આવેલા લોકો કોરોના પોઝિટિવ આવતા, ફરી કોરોના મુંબઈ માર્ગે નવસારીમાં પ્રવેશ્યો છે. જેથી નવસારીમાં થોડા જ દિવસોમાં કોરોનાના નવા 10 કેસો નોંધાયા છે.