- ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી 10 વર્ષોમાં ચોરાયેલી 23 બાઇક જપ્ત
- બાઇક ચોરીમાં સંડોવાયેલા આરોપી મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના
- પોલીસે ત્રણેય આરોપીઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી
નવસારી: જિલ્લા LCB પોલીસને આંતર રાજ્ય બાઇક ચોરીના મોટા રેકેટને શોધવામાં મોટી સફળતા મળી છે. સમગ્ર ગુજરાતના 9 શહેરોમાંથી ચોરાયેલી લાખો રૂપિયાની 23 બાઇક સાથે 3 ચોરોને પકડી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે, જ્યારે પોલીસે તેમની સાથેના અન્ય એક સાગરીતને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ શરૂ કરી છે.
10 વર્ષ, 9 શહેરો, 10.21 લાખની 23 બાઇક ચોરી
ગુજરાતમાં ગત થોડા વર્ષોમાં વાહન ચોરીની ઘટનાઓમાં, હાઇ-વે નજીકના ગામડાઓમાંથી બાઇક ચોરી વધુ થતી હોવાની ઘટના સામાન્ય બની છે. જેમાં ગત 10 વર્ષોમાં રાજ્યના 9 મોટા શહેરોમાં વિવિધ સમયે થયેલી બાઇક ચોરીનો ભેદ ઉકેલવામાં નવસારી LCBને સફળતા મળી છે. નવસારીના મરોલી વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સની મદદથી ચોરીની બાઇક સાથે મૂળ મધ્યપ્રદેશના 3 ચોરોને ઝડપી પાડ્યા હતા. પોલીસે MPના અલીરાજપુર જિલ્લાના નિલેશ ડાવર, ભુચરસિંહ કનેશ અને શીલદાર ચૌહાણની ધરપકડ કરી, કડકાઈથી પૂછપરછ કરતાં તેમણે નવસારી સાહિત સુરત, આણંદ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ, તાપી વડોદરા શહેરમાં બાઇક ચોરીની કબૂલાત કરી હતી. જેથી પોલીસે કુલ 10.21 લાખ રૂપિયાની 23 બાઇક જપ્ત પણ કરી છે.
ચોરેલી બાઇક વતનમાં ઓછા ભાવે વેચી દેતા હતા આરોપી
મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વિવિધ ગામડાઓમાંથી ગુજરાતમાં મજૂરી કરવા આવતા યુવાનો મોટાભાગે બાઇક ચોરી અને દેશી તમંચા લાવવાના ગુનાઓમાં સંડોવાયેલા હોય છે. જે અહીં પડાવ નાંખીને દિવસમાં કડીયાકામ કરે છે અને રાત્રી દરમિયાન બાઇક ચોરી કરી પોતાના વતન પહોંચે છે, જ્યાં નંબર પ્લેટ બદલી ઓછા ભાવે બાઇકનું વેચાણ કરે છે અથવા સ્પેર પાર્ટ્સ કાઢીને વેચી નાંખે છે. જો કે, પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરી તેમના અન્ય એક સાથીને વોન્ટેડ જાહેર કરી તપાસને વેગ આપ્યો છે.