નવસારીઃ દરિયામાંથી કિનારે આવ્યા બાદ માછીમારોને સ્થાનિક તંત્રએ તેમની હોડીમાં જ રાખ્યા છે. જેને કારણે પ્રાથમિક સુવિધા અને ખાવા-પીવાની વ્યવસ્થાના અભાવે માછીમારો કફોડી સ્થિતીમાં મુકાયા છે. જેની જાણ થતા તેમના પરિવારજનો પણ ચિંતિત બન્યા છે.
![કોરોના ઈફેક્ટઃ ગણદેવીના ધોલાઈ ગામના 28 માછીમારો પોરબંદર દરિયા કાંઠે ફસાયા, પરિવાર ચિંતિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-machhimaro-fasaya-photo-gj10031_01042020222801_0104f_1585760281_1036.jpg)
ગણદેવી તાલુકાના નજીકના ધોલાઈ, દાંતી, કકવાડી ગામોમાંથી 28 માછીમારો બે મહિના અગાઉ 26મી જાન્યુઆરીએ પોરબંદર ગયા હતા. જેઓ પોરબંદરથી નાની હોડી (પિલાણા)માં બેસી અરબી સમુદ્રમાં અસ્માવતી ઘાટ નજીક ત્રણ ચાર દિવસની મચ્છીમારીએ જતા હતા.
![કોરોના ઈફેક્ટઃ ગણદેવીના ધોલાઈ ગામના 28 માછીમારો પોરબંદર દરિયા કાંઠે ફસાયા, પરિવાર ચિંતિત](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-nvs-04-machhimaro-fasaya-photo-gj10031_01042020222801_0104f_1585760281_297.jpg)
50 હોડી માલિક અને ખલાસીઓ વચ્ચે ભાગીદારીનો ધંધો હતો. જેમાં ચાર-પાંચ ફિશિંગ બાદ ખર્ચ ગણતરી કરી વધેલા રૂપિયાની વહેંચણી કરી 50 ટકા હોડી માલિકના અને બાકીના ટકા ખલાસીઓ વચ્ચે વહેંચાતા હતા. જેની પર માછીમારો પોતાનું અને પરિવારનું જીવન નિર્વાહ ચાલતું હોય છે. વીતેલા એક મહિનામાં તેઓ ત્રીજી ફિશિંગ કરવા નીકળ્યા હતા.
તે દરમિયાન કોરોના વાઈરસના સંક્રમણને રોકવા જનતા કરફ્યૂ બાદ લોકડાઉન જાહેર કરાતા મચ્છીમારી વ્યવસાય ઠપ થયો હતો. જેને કારણે તમામ 28 ખલાસીઓ દરિયા કાંઠે ખાંજણ વિસ્તારમાં નૂની હોડીઓમાં જીવન નિર્વાહ કરવા મજબૂર બન્યા હતા. જ્યાં પ્રાથમિક સુવિધા સાથે જ ખાવા-પીવાની ચીજ-વસ્તુઓનો અભાવ છે. પાણી અને ખોરાક મેળવવા ઝઝૂમવું પડી રહ્યું છે.
હાલમાં દેવભૂમિ દ્વારકાના ઓખા બંદરે થી 8 એસટી બસોમાં ગણદેવી તાલુકાના 415 માછીમારોને પરત લવાયા હતા. તેવી જ રીતે વહીવટીતંત્ર પોરબંદરમાં ફસાયેલા 28 માછીમારોને પરત લાવવા બસ કે વાહનની સુવિધા ઉપલબ્ધ કરાવે તેવી માંગ પરિજનો કરી રહ્યા છે.