- નવસારીમાં કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટિંગ કરાયા
- પ્રાધ્યાપકો અમદાવાદથી તાલીમ લીધી બાદ ક્રમિત થયા હોવાનું અનુમાન
- આરોગ્ય વિભાગે બીએડ કોલેજને સેનેટાઇઝ કરી
નવસારીઃ નવસારી જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. ગત દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થયા બાદ આજે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનના બે પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ આવતા ચિંતા પ્રવર્તી છે. જ્યારે કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં કોરોના લક્ષણો છે કે, નહીં તેની ચકાસણી સાથે જ કોરોના ટેસ્ટિંગની તજવીજ હાથ ધરાઈ છે.
આપણ વાંચોઃ રાજકોટમાં કોરોના કહેર: એક સાથે 25 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું
નવસારીના શૈક્ષણિક ક્ષેત્રમાં કોરોનાનો પગપેસારો
નવસારી જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચક્યું છે. ખાસ કરીને જિલ્લાની શૈક્ષણિક સંસ્થાઓમાં કોરોનાએ પગપેસારો કર્યો છે. નવસારીના ગણદેવી અને વાંસદા તાલુકાની આશ્રમ શાળાઓના વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા બાદ, શહેરની કોન્વેન્ટ શાળાના બે શિક્ષકો પોઝિટિવ આવ્યા હતા, ત્યારબાદ આજે નવસારી-ગણદેવી રોડ પર ઇટાળવા સ્થિત નવસારી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, બીએડ કોલેજના બે પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ આવ્યા છે. જેની સાથે જ કોલેજ તંત્ર એલર્ટ થયુ હતું અને નજીકના અદડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર અને આરોગ્યકર્મીઓને કોલેજ બોલાવી સ્ટાફ અને વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી કરી હતી સાથે જ અદડા PHC પર તમામને એન્ટીજન ટેસ્ટ માટે મોકલ્યા હતા.
પ્રાધ્યાપકો અમદાવાદ શૈક્ષણિક તાલીમ માટે ગયા હતા
બીએડ કોલેજના 2 પ્રાધ્યાપકો કોરોના પોઝિટિવ આવવા મુદ્દે એમની ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે. બંને પ્રાધ્યાપકો કોલેજના વિદ્યાર્થીઓ સાથે ખેલ મહાકુંભ અને શૈક્ષણિક તાલીમ માટે અમદાવાદ ગયા હતા. જેને લઇને મોટાભાગના ભાવિ શિક્ષકો સંક્રમિત થયા હોવાની ભીતિ તંત્ર સેવી રહ્યું છે.