નવસારી: ભારતમાં વધતા જતા કોરોનાા સંક્રમણના કેસોને ધ્યાને લઇ કેન્દ્ર સરકારે લોકડાઉન જાહેર કર્યું છે. સાથે જ વિવિધ સરકારી અને અર્ધ સરકારી સંસ્થામાં કામ કરતા લોકોને પણ ઘરે બેસી કામ કરવા માટે ફરજ પાડવામાં આવી છે. ત્યારે ગુજરાત રાજયની 24 જેલોમાં રહેાલા 15 હજાર કેદીઓને પણ કોરોનાનું સંક્રમણ ન થાય તે માટે સરકારે સુપ્રીમ કોર્ટના આદેશાનુસાર કાચા અને પાકા કામના કેદીઓ સહિત 60 વર્ષથી વધુ ઉંમરના કેદીઓને ઘરે મોકલવા માટેની તજવીજ હાથ ધરી છે.
જે પૈકી નવસારી સબ જેલમાં રહેતા અંદાજીત 700 કેદીઓ પૈકી પાકા કામના 16 અને કાચા કામના 132 કેદીઓને ઘરે મોકલવા માટે વડી કચેરીને દરખાસ્ત કરવામાં આવી છે. જેમાં ત્રણ કેદીઓ 60 વર્ષની ઉંમરના છે. જેમને પણ મુક્ત કરવામાં આવશે. કેદીઓને કોઈપણ સંક્રમણ ન થાય તે માટે નવસારી સબ જેલમાં સજા ભોગવતા કેટલાક કેદીઓને લાજપોર મધ્યસ્થ જેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નવા આવનારા કેદીઓને અલગ બેરેકમાં રાખવામાં આવશે, જેથી જુના કેદીઓને કોઈ સંક્રમણ લાગે નહીં. જેલમાં તકેદારીના ભાગરૂપે તમામ સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. જેલ પ્રશાસન દ્વારા કેદીઓને એક બીજા વચ્ચે અંતર રાખવા માટે કડક સૂચના આપવામાં આવી છે.