- સરદાર પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવેશ ફીનું કૌભાંડ
- રૂ. 5.24 કરોડની થઇ ઉચાપત
નર્મદા: જીલ્લા LCB એ સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ ફીની રૂ. 5.24 કરોડની ઉચાપતનું કોકડું ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે અન્ય આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પાસેથી જે પ્રવેશ ફીની રકમ વસૂલાતની જવાબદારી ઈસેક એજન્સીને સોંપવામાં આવી હતી અને તે રૂપિયા ભેગા કરી HDFC બેંકમાં ભરપાઈ કરવાની જવાબદારી રાઇટર બિઝનેસ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને સોંપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન રાઇટર કંપનીના કેટલાક કર્મચારીઓએ HDFC બેંકમાં નાણાં જમા ન કરાવ્યા અને બારોબાર ઉચાપત કરી લેતા સમગ્ર કૌભાંડ ઓડીટરના ધ્યાન પર આવ્યું હતું. તે બાદ બે દિવસ અગાઉ કેવડીયા પોલીસમાં HDFC બેંકના મેનેજરે ફરિયાદ દાખલ કરી હતી પરંતુ બેંકના અધિકારીએ આરોપીઓના નામ તેમજ ફરિયાદ ન નોંધાવ્યા. આ પછીપોલીસે તપાસ શરૂ કરતાં રાઇટર કંપનીના જવાબદાર મેનેજર સહિત કેટલાક કર્મચારીઓને ત્યાં વડોદરા ખાતે દરોડા પાડી આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા.
બે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ માટે કેવડિયા ખાતે લઈ જવાયા
કેવડીયા પોલીસને મળેલી જાણકારી મુજબ રાઇટર કંપનીમાં ફરજ બજાવતા આશિષ જોશી, જયરાજ, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારી સહિત અન્ય કેટલાક કર્મચારીઓ આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. તે આધારે કેવડીયા પોલીસે બુધવારે વડોદરાના સુભાનપુરા, કોયલી વિસ્તારમાં તેમના નિવાસસ્થાને દરોડા પાડયા હતા પરંતુ આ આરોપીઓ ભૂગર્ભમાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન કેવડીયા પોલીસને મળેલી બાતમીના આધારે ગુરૂવારે વહેલી સવારે રાઇટર કંપનીના અધિકારીઓ આશિષ જોશી અને કર્મચારી જયરાજસિંહ સોલંકી કોયલી ગામ સ્થિત નિવાસસ્થાને આવ્યા હોવાનું જાણવા મળતા કેવડીયા પોલીસે ખાતે દરોડા પાડી આશિષ જોશી અને જયરાજ નામના બે આરોપીની ધરપકડ કરી તેમને વધુ તપાસ માટે કેવડિયા ખાતે લઈ જવામાં આવ્યા હતા.