નર્મદાઃ રાજપીપળામાં 6/9/2020 ના રોજ પરિણીત મહિલા ભાવનાબેન સોલંકી અને એમનો પુત્ર રેપીડ એન્ટીજન ટેસ્ટમાં કોવિડ પોઝિટિવ આવતા બંન્નેને રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. મહિલા દર્દી પોતાના પુત્ર સાથે 2 કલાકે કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે પહોંચી હતી, ત્યાંથી 3 કલાકે બંન્નેને અલગ અલગ વોર્ડમાં દાખલ કરાયા હતા. એ પૈકી મહિલા દર્દીને આઈસોલેશન વોર્ડ-2 માં દાખલ કરવામાં આવી હતી.
મહિલાને પોતાની આપવીતી જણાવતાં કહ્યું કે, જે સમયે મને દાખલ કરાઈ, ત્યારે પણ ખુબ તાવ હતો. એ બાદ તાવ આવે અને ઉતરી જાય એવી સ્થિતિ વચ્ચે પણ હોસ્પિટલના સ્ટાફ તરફથી કોઈ પણ જાતની ગોળી કે અન્ય દવા આપવામાં આવી ન હતી. મેં આ બાબતે ફરિયાદ કરી પણ કોઈએ મારી ફરિયાદ પર ધ્યાન આપ્યું નહીં. છેવટે રાત્રે 10:30 કલાકના અરસમાં દાખલ થયાના 8 કલાક બાદ ગોળી અને અન્ય દવાઓ આપી મારી સારવાર ચાલુ કરાઈ હતી. મારા જ વોર્ડમાં મારી પછી આવેલા દર્દીઓની સારવાર તુરંત ચાલુ કરી દેવામાં આવી હતી.
આ બાબતે નર્મદા જિલ્લા CDMO અને રાજપીપળા કોવિડ હોસ્પિટલના હેડ ડૉકટર જ્યોતિ ગુપ્તાએ ઇ ટીવી ભારત સાથેની વાતમાં જણાવ્યું હતું કે, શિફ્ટ બદલાઈ ગઈ છે એટલે કેમ આવું થયું હશે એ હું તપાસ કરીશ. કોરોના દર્દી દાખલ થાય ત્યારે એને શિડયુલ મુજબ દવા-ગોળી આપી તુરંત સારવાર ચાલુ થવી જ જોઈએ, સારવારમાં કેમ ચૂક થઈ એ હું તપાસ કરીશ. જ્યારે નર્મદા કલેકટર મનોજ કોઠારીએ જણાવ્યું હતું કે, એ મહિલા દર્દીને પેરાસીટમોલ સહિત અન્ય દવાઓ અપાઈ ગઈ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે, કોરોના દર્દીઓની સારવાર મામલે રાજપીપળા કોવિડ હોસ્પિટલના અમુક તબીબો વિરુદ્ધ અનેક સવાલો ઉભા થયા હતા. એ જ કારણોસર મોટે ભાગના કોરોના દર્દીઓ અન્ય શહેરોમાં સારવાર અર્થે જવાનું પસંદ કરતાં હતાં. કોરોના દર્દી માટે એક-એક મિનિટ કિંમતી હોય છે, ત્યારે જ્યારે દર્દીને સારવાર માટે 8-8 કલાક સુધી રાહ જોવી પડે એનાથી વધારે બેદરકારી બીજી કોઈ જ ન કહી શકાય. આ ઘટના બાદ નર્મદા જિલ્લા કલેકટર જવાબદારો સામે કડક પગલાં લે છે કે કેમ એ જોવું રહ્યું…