- પેટ્રોલ પંપના કેશિયર પર તલવારથી જીવલેણ હુમલો કરી લૂંટ કરનારા ઝડપાયા
- 5 લૂંટારૂઓએ હથિયારથી જીવલેણ હુમલો કરી રૂપિયા 8.18 લાખની ચલાવી હતી લૂંટ
- પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
નર્મદાઃ જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના ચીકદા ગામ ખાતે આવેલા એસ્સાર પેટ્રોલ પંપનો કેશિયર અમરસિંગ વસાવા 27 ઓક્ટોબરના રોજ 8.18 લાખ રૂપિયા રોકડ રકમ લઈ સુરત જિલ્લાના ઉમરપાડાની સુરત ડિસ્ટ્રીકટ કો.ઓપ.બેંકમાં જમા કરાવવા જતો હતો. તે દરમિયાન ભરાડા પુલ પાસે બે બાઈક પર આવેલા 5 લૂંટારૂઓએ અમરસિંહ વસાવા પર હોકી જેવા હથિયારથી જીવલેણ હુમલો કરી 8.18 લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા.
માત્ર 18 દિવસમાં લૂંટનો કેસ પોલીસે ઉકેલ્યો
જિલ્લામાં બનેલી આ લૂંટની ઘટનાને લઈને જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે તાત્કાલિક ડેડીયાપાડા અને LCB પોલીસને તાપસ માટે દોડવાતા માત્ર 18 દિવસમાં લૂંટનો કેશ પોલીસે ડિટેકટ કર્યો હતો. આ લૂંટની તપાસ પોલીસે નજીકના જાણભેદુ હોવાની સંભાવનાઓ વચ્ચે શરૂ કરી હતી. જેમાં નર્મદા LCB PI એ.એમ.પટેલ, PSI સી.એમ.ગામીત તથા ડેડીયાપાડા PSI એ.એમ.ડામોર સહિતની ટીમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન પોલસે ટેક્નિકલ સર્વેલન્સ અને મોબાઈલ ટ્રેસિંગ કરી સાથે બાતમીના આધારે આ ગુનામાં સંડોવાયેલા 5 આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 6 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો
આ બાબતે નર્મદા જિલ્લા પોલીસ વડા ડો.હિમકર સિંહે જણાવ્યું હતું કે, આ પાંચેય આરોપીઓ પૈકીનો એક સુભાસ જેસિંગ વસાવા ફરિયાદી અમરસિંહ વસાવાનો દુરનો સંબંધી થાય છે, તેઓ છેલ્લા 2 મહિનાથી આ લૂંટને અંજામ આપવા રેકી કરી રહ્યા હતા. જ્યારે આ લૂંટને અંજામ આપવાનો હતો, એ સમયે સુભાસ જેસિંગ વસાવા પેટ્રોલ પંપ પર હાજર હતો, જ્યારે અમરસિંહ વસાવા નીકળ્યો ત્યારે એણે જ આગળ જાણ કરી હતી. સુભાસ જેસિંગ વસાવા પર ડેડીયાપાડા અને ઉમરપાડામાં પણ ગુનો નોંધાયેલો છે. પોલીસને ચકમો આપવા આરોપીઓ પોતાનું લોકેશન વારે ઘડીએ બદલી રહ્યા હતા. તો પોતાનો મોબાઇલ પણ સ્વિચ ઓફ કરતા રહેતા હતા. હાલ તો 5 આરોપીઓની ધરપકડ કરી એમની પાસેથી રૂપિયા 4.68 લાખ રોકડા તથા 1.50 લાખની બાઈક એમ મળી કુલ રૂપિયા 6.18,800નો મુદ્દામાલ જપ્ત કરાયો છે, બાકી રહેલા રૂપિયા 1. 89,200ની રિકવરી માટે રિમાન્ડ લઈ પૂછતાછ હાથ ધરાશે. આ આખી ઘટનાનો માસ્ટર માઈન્ડ અજય મનજી વસાવા હતો.
પોલીસે પાંચેય આરોપીઓના રિમાન્ડ માગ્યા
8 લાખની ચોરીમાં તમામ ના ભાગે જે પાંચ ભાગે રૂપિયા આવ્યાં જેમાં એક આરોપી નવું બાઇક લઈ આવ્યો, બીજાએ પત્નીને મંગળસૂત્ર લાવી આપ્યું હતુ. પોલીસે તમામ મુદ્દામાલ જપ્ત કર્યો છે. હજુ 1.89 ની રિકવરી બાકી છે. હાલ પોલીસે પાંચેયના રિમાન્ડ માંગ્યા છે.