- સિક્કિમ રાજ્યના રાજ્યપાલ ગંગાપ્રસાદ ચૌરસિયા સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાતે
- મ્યુઝીઅમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યુ
- સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યપાલનું સ્વાગત કરાયું હતું
કેવડીયા: સિક્કિમ રાજ્યના રાજ્યપાલ ગંગાપ્રસાદ ચૌરસિયાએ આજે રવિવારે વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા, સ્ટેચ્યુ ઑફ યુનિટીની મુલાકાત લઇને અખંડ ભારતનાં શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલનાં દર્શન કરીને ભાવાંજલી અર્પી હતી. રાજ્યપાલે અખંડ ભારત બનાવવામાં સરદાર સાહેબે આપેલા યોગદાનને યાદ કરી સરદાર સાહેબનાં જીવન-કવનને પ્રસ્તુત કરતા મ્યુઝીઅમ અને દર્શન કક્ષની મુલાકાત લઇ રસપૂર્વક નિરીક્ષણ કર્યુ હતુ.
સ્ટેચ્યુ ઑફ યુનિટી આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક
રાજ્યપાલે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે,આજે મહામાનવ સરદાર વલ્લભભાઈ પટેલની ભવ્ય પ્રતિમાને જોવાનો અવસર મળ્યો અને અતિપ્રસન્નતા મળી. આ પ્રતિમાનાં નિર્માણના વિચારમાં જેઓની મુખ્ય ભૂમિકા રહી છે, તેવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપું છું અને આભાર વ્યકત કરૂં છું. ધરતી પર પોતાની પરિકલ્પનાને સાકાર સ્વરૂપ આપીને સમગ્ર વિશ્વને એક નવી દિશા અને આયામ આપવાનો સાર્થક પ્રયાસ અભિનંદનને પાત્ર તો છે જ, ઉપરાંત અનુકરણીય પણ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટી આપણી શ્રેષ્ઠતા અને એકતાનું પ્રતીક પણ છે. સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં ઉચ્ચ અધિકારીઓ દ્રારા રાજ્યપાલનું સ્વાગત કરાયું હતું અને તેઓને સરદાર સાહેબનાં જીવન ચરીત્ર સાથે જોડાયેલા પુસ્તક અને સરદાર સાહેબની પ્રતિમાં સ્મૃતિરૂપે અર્પણ કરી હતી.