9 મી ઓગષ્ટ 2019ના રોજ નર્મદા ડેમના દરવાજા સૌ પ્રથમ ખોલાયા ત્યારથી નર્મદા ડેમ સાઇટ ખાતે R.B.P.H-200 મેગાવોટના રિવર બેડ ભૂગર્ભ જળ વિદ્યુત મથક ખાતે 6 યુનિટ આજદિન સુધી સતત વિજ ઉત્પાદન કરી રહ્યા છે. જ્યારે C.H.P.H કેનાલ હેડ પાવર હાઉસ ખાતે 50 મેગાવોટના 3 યુનિટ મારફત પણ વિજ ઉત્પાદન થઇ રહ્યું છે.
9 મી ઓગષ્ટથી ભૂગર્ભ જળ વિદ્યુત મથક દ્વારા અત્યાર સુધીમાં કુલ 26,46,882 મેગાવોટ વિજ ઉત્પાદન કરાયું છે. બે દિવસમાં ઉપરવાસમાંથી પાણીની આવકને કારણે નર્મદાના 10 ગેટ ખોલવામાં આવતા નર્મદા નદી બે કાંઠે વહેતી થતા કેવડિયા પાસે આવેલો ગોરા બ્રીઝ પર પાણી ફરી વળ્યા હતા. ગોરા ગ્રીઝ હાલ રાહદારીઓ માટે બંધ કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ વર્ષાઋતુની મોસમમાં નર્મદા ડેમ સૌ પ્રથમવાર 133.67 મીટરની ઐતિહાસિક સપાટી થઈ છે. 2,31,593 ક્યુસેક પાણીની આવક સામે નર્મદા ડેમના 10 ગેટ ખુલ્લા રાખી 2,03,342 ક્યુસેક પાણી છોડાઇ રહ્યું છે. સરદાર સરોવર નર્મદા ડેમમાં લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો 3870 મિલિયન ક્યુબીક મીટર છે. પાણીની ભરપૂર આવકના કારણે મુખ્ય કેનાલમાં 13041 ક્યુસેક પાણી છોડવામાં આવે છે. અનેક નદીઓ તળાવો તેમજ સૌની યોજનામાં આ પાણી આપવામાં આવી રહ્યું છે.