નર્મદા: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વપ્ન જોયું અને સરદાર વલ્લભભાઇ પટેલની દુનિયામાં સૌથી ઉંચી પ્રતિમા નર્મદાના કેવડિયા ખાતે બનાવવામાં આવી જેના 5 વર્ષ પૂર્ણ થયા છે. 5 વર્ષમાં 1 કરોડ કરતા વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી છે. સ્ટેચ્યુ સાથે બીજા 17 પ્રોજેક્ટો પણ બનાવવામાં આવ્યા છે. 31 ઓક્ટોબરે બીજા નવા 5થી 7 પ્રોજેક્ટોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરવાના છે. ત્યારે ક્યાં અન્ય નવા પ્રોજેક્ટોની સુવિધા પ્રવસીઓને મળશે, જાણો
- 31મી ઓક્ટોબરે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદાર વલ્લભભાઇની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે. ત્યારબાદ તેઓ એકતાનગર ખાતે ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ ની ઉજવણીમાં ઉપસ્થિત રહી પોલીસદળના જવાનો દ્વારા થનારી એકતા પરેડનું નિરીક્ષણ કરશે. તમામ લોકોને રાષ્ટ્રીય એકતા દિવસના શપથ લેવડાવશે.
- પ્રકૃતિ, સંસ્કૃતિ અને પાણીના સંરક્ષણ સાથે એકતાનગરનો વિકાસ થઈ રહ્યો છે. ગ્રીન ઈનિશિયેટિવ હેઠળ વડાપ્રધાન 30 ઇ-બસો અને 210 પબ્લિક બાઇક શેરિંગના લોન્ચ સહિત પાંચ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. પ્રવાસીઓને એકતાનગરનો સર્વાંગી અનુભવ પ્રદાન કરવા માટે તેમજ તેઓને ટ્રાન્સપોર્ટેશન માટે ગ્રીન મોડ ઉપલબ્ધ કરાવવા માટે સાયકલ શેરિંગ સિસ્ટમ (પબ્લિક બાઇક શેરિંગ)નું આયોજન કર્યું છે, જે પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરિસરમાં ફરવા માટે ઓછા ખર્ચે પર્યાવરણને અનુકૂળ મોબિલીટી પ્રદાન કરશે.
- 100 કરોડના ખર્ચે એકતાનગર ખાતે મુલાકાતીઓ માટે વિઝિટર સેન્ટર બનાવવામાં આવશે. જે એક રિસેપ્શન સેન્ટર તરીકે કાર્ય કરશે અને પ્રવાસીઓને માહિતી અને દિશા પ્રદાન કરશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓની સુવિધા માટે 7.5 કરોડના ખર્ચે ફ્રિસ્કિંગ બૂથ સાથે વૉક-વેનું નિર્માણ કરવામાં આવ્યું છે.
- વડાપ્રધાન 7.5 કરોડના ખર્ચે બનાવવામાં આવેલા કમલમ્ પાર્કનું લોકાર્પણ દ્વારા કરાશે. આ પ્રોજેક્ટમાં નર્મદા નદીના કિનારે ડ્રેગન ફ્રૂટ, કે જે ‘કમલમ’ તરીકે જાણીતું છે, તેની નર્સરી બનાવવામાં આવી છે. આ નર્સરીમાં પ્રવાસીઓ અને ખેડૂતોને આ ફળના ફાયદા અને તેની ખેતીની પદ્ધતિ વિશે શિક્ષિત કરવા માટે ડિજિટલ ઓરિએન્ટેશન સેન્ટર આવેલું છે.
5 એપ્રિલ 1961ના રોજ નર્મદા ડેમનું ખાત મુહૂર્ત: નર્મદા જિલ્લો એ 43 ટકા વન વિસ્તાર ધરાવતો આદિવાસી જિલ્લો છે. અહીંના આદિવાસીઓ ખેત મજૂરી કરી જીવન ગુજારે છે. આજે આ નર્મદા જિલ્લામાં ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ કેવડિયા ખાતે આવેલો છે. નર્મદા ડેમનું ખાત મુહૂર્ત 5 એપ્રિલ 1961ના દિવસે જવાહરલાલ નેહરુએ કર્યું હતું, પણ નર્મદા ડેમ બનાવાનું સપનું તો ગુજરાતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જોયું હતું. પહેલું પ્રપોસલ સરદાર પટેલે મૂક્યું હતું. ત્યારબાદ 5 એપ્રિલના રોજ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ આ ડેમનું ખાત મુહૂર્ત કર્યું ત્યારથી અત્યાર સુધી નર્મદા ડેમ હંમેશા ચર્ચાનો વિષય બનતો રહ્યો છે.
31 ઓક્ટોબર 2013ના રોજ શિલાન્યાસ: વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા બનાવવાનો વિચાર 2012માં નરેન્દ્ર મોદીને આવ્યો. નર્મદા બંધ પર ક્યાં સ્ટેચ્યુ બનાવવું જેનો સર્વે કરી અંતે સાધુબેડ નર્મદા બંધથી 3.1 કિમી દૂર ટેકરીને પસંદ કરવામાં આવી, જે તે સમયના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાને 31 ઓક્ટોબર 2013ના રોજ સરદાર પટેલની સૌથી ઉંચી એટલે કે 182 મીટરની પ્રતિમાનો શિલાન્યાસ કર્યો.