હાલ તો આ આત્મહત્યાનું કારણ સ્પષ્ટ જાણવા મળ્યું નથી. મૃતક PSIની સ્યુસાઇડ નોટને લઈને પોલીસકર્મીઓમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે. માહિતી પ્રમાણે, PSI ફીણવ્યા મુળ સુરતના રહેવાસી છે અને વર્ષ 2014 ની બેચના અધિકારી છે. તેઓ 29 વર્ષના પરણિત છે અને તેમની દીકરી કે.જી. માં અભ્યાસ કરે છે.
કેવડીયામાં વડાપ્રધાન બંદોબસ્ત પોઇન્ટ નંબર 98 પર ફરજ પર હાજર PSI ફિણવ્યા ગ્રાઉન્ડ ફ્લોર પર પેસેજમાં ડ્યુટી નીભાવી રહ્યા હતા. PSI ફિણવ્યાના પરિવારે આક્ષેપ કર્યો છે કે, તેમના ઉપરી અધિકારી દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હતા જેને કારણે તેમને આત્મહત્યા કરી છે. PSI પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી હતી, જે ત્યાંથી ગાયબ થઈ ગઈ છે અને કોણે ગાયબ કરી તે એક ચર્ચાનો વિષય બન્યો છે. જેથી મૃતક PSI ના પરિવારે જણાવ્યું હતું કે, જ્યાં સુધી આ મામલે કેસ નોંધાવામાં નહી આવે અને સ્યુસાઇડ નોટ અમને નહીં બતાવવામાં આવે ત્યાં સુધી અમે એમની ડેડબોડીનો સ્વીકાર કરીશું નહી.
PSI ફિણવ્યાના મોટાભાઈએ જણાવ્યું હતું કે, "સવારથી હું તેમની સાથે જ હતો, પછી તેમણે પોતાના મિત્રની પિસ્તોલ લઈને મને કહ્યું કે, મોટાભાઈ ફોટો પાડો મારો, ત્યારે હું એમનો ફોટો પાડવા માટે પાછળ ફર્યો ત્યાં તો, તેમણે પિસ્તોથી પોતાના કપાળ પર ગોળી મારી દીધી હતી. હું કાઈ સમજુ તે પહેલાં જ ત્યાં પોલીસ સ્ટાફ આવી ગયો અને ત્યાં પડેલી સ્યુસાઇડ નોટને ગાયબ કરી દીધી હતી."
આ મામલે નર્મદા જિલ્લાના SPએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, PSI ફિણવ્યા પાસેથી કોઈ સ્યુસાઈડ નોટ મળી નથી. તપાસમાં પણ એવી કોઈ વાત બહાર આવી નથી કે, કોઈ ઉપરી અધિકારી હેરાન કરતા હતા અને તેવો કાગળ પણ મળ્યો નથી.