નર્મદાઃ દુનિયાની સૌથી ઊંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક પ્રવાસી માટે જંગલ સફારી પાર્ક બનાવવામાં આવ્યું છે. જે 18 ફેબ્રુઆરીના રોજ પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું પરંતુ કોરોનાના કારણે 6 મહિનાથી આ પાર્ક બંધ કરવામાં આવ્યું હતું પરંતુ હવે કોરોના કાળના નવા નીતિ નિયમો સાથે 1 ઓક્ટોબરથી પૂનઃ શરૂ કરવામાં આવશે.
આ જંગલ સફારી 375 એકરમાં ફેલાયેલું છે. જેમાં 62 જાતનાં કુલ 1000 પ્રાણી પક્ષીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, આ પાર્ક 1 ઓકટોબરથી પ્રવાસીઓ માટે શરૂ કરવામાં આવશે અને માત્ર ઓનલાઈન બુકીંગ કરાવનારાને જ પ્રવેશ આપવામાં આવશે અને 1 કલાકમાં 50 જ પ્રવાસીઓને પ્રવેશ આપવામાં આવશે.
ઉલ્લખનીય છે કે, વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી સંલગ્ન સૌથી આશાસ્પદ પ્રોજેકટ જન્ગલ સફારી છે. ચાલુ વર્ષમાંજ સેન્ટ્રલ ઝુ ઓથોરીટી, ન્યુ દિલ્હીની મંજુરી બાદ વિશ્વકક્ષાનો સફારી પાર્ક પ્રવાસીઓ માટે પ્રાયોગિક ધોરણે ફેબ્રુઆરીમાં ખુલ્લો મુકાયો હતો. પરંતુ કોરોના કાળમાં સાવચેતી માટે સફારી પાર્ક માર્ચ મહિનાથી બંધ કરવામાં આવ્યો હતો. ત્યારે હવે લગભગ 6 મહિના બાદ એક ઓકટોબરથી સફારી પ્રવાસીઓ માટે ખુલ્લો મુકવામાં આવશે આ સફારી પાર્કમાં વાઘ સિંહ,ગેંડો, જીરાફ, ઝીબ્રા દેશી વિદેશી પક્ષીઓને જોવાનો લાભ લઇ શકશે.
એક ઓકટોબરથી શરૂ થનારા સફારી પાર્કમાં આવનારા પ્રવાસીઓએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે અને દરેકનું ટેમ્પરેચર ચેક કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવશે. અને સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો રહેશે. હાલમાં ઓનલાઇન ટિકીટ બુકિંગ કરીને આવતા પ્રવાસીઓ પ્રવેશ મળવી શકશે. ત્યાર બાદ સ્થિતિ જોયા બાદ ઓફલાઈન પણ શરૂ કરાશે.