- કેવડિયામાં યોજાશે વિધાનસભાના તમામ અધ્યક્ષોની પરિષદ
- મહાનુભાવો લેશે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત
- કોરોના કાળમાં પરિષદ યોજવી કેટલી યોગ્ય?
વડોદરા: આગામી 25 અને 26 તારીખે કેવડિયામાં ભારતની તમામ વિધાનસભાઓના અધ્યક્ષો, લોકસભા અને રાજ્યસભાના સ્પીકર તેમજ રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ ટેન્ટ સીટી 2 ખાતે યોજાનારી સ્પીકર કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. જેમાં લોકસભાના સ્પીકર સહિત અન્ય મહાનુભાવો સાથે બેસીને ચર્ચા-વિચારણા કરશે. પહેલીવાર ગુજરાતમાં આ પરિષદ યોજાયા બાદ તમામ મહાનુભાવો 27 તારીખે સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત પણ લેવાના છે. ત્યારે ઇટીવી ભારતે વડોદરાના નાગરિકો પાસેથી આ અંગે તેમના મંતવ્યો જાણવાનો પ્રયાસ કર્યો હતો.
કોરોના સમયગાળામાં કોન્ફરન્સ યોજવી હિતાવહ નહી
કેવડિયા ખાતે યોજનારી પરિષદ મામલે વડોદરાના નાગરિકોએ જણાવ્યું કે જે પ્રમાણે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે તેવા સમયમાં કોઈ પણ પરિષદનું આયોજન યોગ્ય નથી. રાત્રીના 9થી સવારના 6 સુધી મહાનગરોમાં પણ કરફ્યૂ નાખી દેવામાં આવ્યો છે ત્યારે પરિષદના કારણે કેવડિયામાં કોરોના સંક્રમણ વધે તેવી અનેક શક્યતાઓ છે.
કેવડિયા ખાતે તૈયારીઓનો ધમધમાટ શરૂ
કેવડિયા ખાતે પહેલીવાર સ્પીકર કોન્ફરન્સ યોજાતા સુરક્ષા વ્યવસ્થા સઘન કરી દેવામાં આવી છે. તંત્ર દ્વારા પણ આ મુદ્દે કામગીરી પર નજર રાખવામાં આવી રહી છે. ત્યારે લોકોમાં પણ આ વાતને લઇને અસંતોષ જોવા મળી રહ્યો છે. જ્યારે ચૂંટણીઓ હોય અથવા લોકાર્પણના કાર્યક્રમો હોય ત્યારે કોરોના નથી નડતો પરંતુ તહેવારો પર સંક્રમણ વધતા કરફ્યૂ ઠોકી બેસાડાય છે તેવી લોકો ચર્ચા કરી રહ્યા છે.