- સાંસદ મનસુખ વસાવાએ કોરોના વિરોધી રસી મૂકાવી
- લોકોને રસી મૂકાવવા અપીલ કરી હતી
- દરેક સરકારી દવાખાનામાં સ્થળ પર નોંધણીની વ્યવસ્થા ઉપલબ્ધ
નર્મદા: જિલ્લામાં કોરોના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતા અને 45થી 59ની વય જૂથમાં આવતા ગંભીર રોગો ધરાવતા વ્યક્તિઓને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે સાંસદ મનસુખ વસાવાએ કોરોના વિરોધી રસી મૂકાવી છે. જોકે તેઓ એકદમ સ્વસ્થ છે.
રસીની કોઈ આડ અસર થતી નથી
મનસુખ વસાવાએ જાહેર જનતાને સંબોધતા કહ્યું હતું કે, આ રસીની કોઈ આડ અસર થતી નથી. આ અંગેની અફવાઓથી દૂર રહેવા તેમજ સરકાર તરફથી આવતી સૂચના અને માર્ગદર્શિકાને અનુસરીને લોકોએ રસી મૂકાવીને પોતાને કોરોના સંક્રમણ સામે સુરક્ષિત રહેવાની અપીલ કરી હતી.જોકે આ અંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી.પટેલ તરફથી અપીલ કરાઇ છે કે, જે બાકી હોય તે રસી મૂકાવી લે જેની કોઈ આડ અસર નથી.
આ પણ વાંચો: DyCM નીતિન પટેલ અને તેમની પત્નીએ લીધો કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ
રસીનો ડોઝ આપવા માટે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું
વધુમાં ડો.પટેલે જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં 27 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 3 સામૂહિક આરોગ્ય કેન્દ્ર, 2-સબ ડિસ્ટ્રીક હોસ્પિટલ, 1-કોવિડ હોસ્પિટલ, 1 શહેરી આરોગ્ય કેન્દ્ર રાજપીપળામાં રસીનો ડોઝ આપવા માટે સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. દરેક સરકારી દવાખાનામાં સ્થળ પર નોંધણીની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જો તમે ઈચ્છતા હોવ તો તમારા પોતાના મોબાઈલ ઉપર આરોગ્ય સેતુ એપ્લિકેશન દ્વારા અને સેલ્ફ રજીસ્ટ્રેશન Covin.gov.in વેબ પોર્ટલ પરથી પણ પોતાના મોબાઈલ પર OTP મેળવીને નોંધણી કરાવી શકો છો. એક મોબાઈલ નંબર ઉપર વધુમાં વધુ ચાર વ્યક્તિની નોંધણી કરાવી શકાશે.
આ પણ વાંચો: જામનગરના લાખા બાવળમાં 100 વર્ષની વૃદ્ધાએ કોરોના વેકસીન લઈને આપ્યો સંદેશ
કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે
નોંધણી કરાવવાં માટે આધારકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, જોબ કાર્ડ, પાસપોર્ટ, બેન્ક-પોસ્ટ ઓફિસે જાહેર કરેલી પાસબૂક, સાંસદો ધારાસભ્યોએ જાહેર કરેલા અધિકારક પ્રમાણપત્રો, કેન્દ્ર-રાજ્ય સરકાર પબ્લિક લિમિટેડ કંપનીઓએ જાહેર કરેલા આધારો, જન્મનું પ્રમાણપત્ર જેવા ડોક્યુમેન્ટ નોંધણી માટે સાથે રાખવા તેમજ રસી લીધા બાદ કોરોના પ્રતિરોધક વ્યવહારો જેવા કે માસ્ક પહેરવાં, વારંવાર સાબુ -પાણીથી હાથની સફાઈ કરવાં અને એક બીજા વચ્ચે 6 ફૂટનું અંતર ધ્યાનમાં રાખવાં ફરજિયાત છે.