નર્મદાઃ આરોગ્ય વિભાગનો ઉત્સાહ કહો કે, વહીવટી ભૂલ પણ આ રેપિડ ટેસ્ટ ગુરૂવારે બપોરના 4 વાગ્યે કરવામાં આવ્યા હતા. તેનું પરિણામ વધારેમાં વધારે 30 મિનિટમાં આપવાનો દાવો આરોગ્ય વિભાગનો છે. પરંતુ ઉત્સાહી નર્મદા જિલ્લા આરોગ્ય તંત્રે 30 મિનિટનું આ ટેસ્ટનું પરિણામ આપવાના બદલે રાત્રે 10 વાગ્યે સોશિયલ મીડિયા દ્વારા લગભગ 12 લોકોનું લિસ્ટ બનાવી જાહેર કર્યું હતું. જેમાં એક જ વિસ્તારના લગભગ 12 લોકોનું માત્ર લિસ્ટ હતું. તેમાં કોઈ પણ જાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો કે, આ 12 કોરોના પોઝિટિવ છે કે, તેમને કોઈ કોરોનાના લક્ષણ છે.
પરંતુ સોશિયલ મીડિયામાં આ લિસ્ટ ફરતું થતા રાજપીપળા વાસીઓમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ત્યારે નર્મદા આરોગ્ય વિભાગે 30 મિનિટમાં જાહેર થઇ શકે તેવું લિસ્ટ રાત્રે 10 વાગે સોશિયલ મીડિયામાં જાહેર કરવાની જરૂર હતી. એ સવાલ આજે રાજપીપળામાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. તેમજ ગુરૂવારે રાત્રે 10 વાગે તમામ 12 લોકોને રાજપીપળા કોવિડ- 19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
જોકે, રાત્રે 1 વાગે તમામના લોહીના સેમ્પલ લઈ SSG વડોદરા ખાતે મોકલવામાં આવ્યા છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે, રેપિડ ટેસ્ટ કીટ કેટલું યોગ્ય નિદાન કરે છે કે, માત્ર આ એક પ્રજા માટે કોરોનાના દર્દના ભયમાંથી લોકોને દૂર કરવાનો આ તંત્રએ ઉપાય શોધી કાઢ્યો છે.