નર્મદા : એકતાનગર ખાતે આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં અવનવા આકર્ષણ પ્રવાસીઓને ચુંબકની જેમ ખેંચી લાવે છે. અહીં જંગલ સફારી પાર્ક એટલે કે ઝુઓલોજીકલ પાર્ક મુલાકાતીઓની મનપસંદ જગ્યામાંની એક છે. ત્યારે હાલમાં જંગલ સફારી પાર્કમાં અનોખા પ્રાણીઓના આગમનથી પ્રવાસીઓ ઘેલા થયા છે.
આફ્રિકન સફેદ સિંહ : 375 એકરમાં પથરાયેલા ઝુઓલોજીકલ પાર્ક ખાતે ખાસ દુબઈ એનિમલ ઝૂમાંથી નવા ત્રણ વિદેશી પ્રાણીઓને લાવવામાં આવ્યા છે. જેમાં એક આફ્રિકન સફેદ સિંહ અને બે સિંહણ, બે જેગુઆર અને એક ઉરાંગઉટાંગ પ્રજાતિનો વાનર છે. હાલમાં જ ત્રણ વિદેશી પ્રાણીઓનું આગમન થતાં અચાનક મુલાકાતીઓની ઉમટી પડ્યા છે.
જંગલ સફારી પાર્કે ઘેલું લગાડ્યું : સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે 375 એકરમાં પથરાયેલા ઝુઓલોજીકલ પાર્ક-જંગલ સફારી પાર્કમાં 1500 થી વધુ દેશી અને વિદેશી પ્રાણીઓ અને પક્ષીઓ ખુલ્લા મોટા બેરેકમાં પ્રવાસીઓ જોઈ શકે તેમ મૂકવામાં આવ્યા છે. સમયાંતરે નવા પ્રાણી-પક્ષીઓનો જંગલ સફારીમાં ઉમેરો કરવામાં આવે છે. જંગલ સફારી પાર્કમાં આગાઉ સ્નેક હાઉસ પણ ખુલ્લું મુકવામાં આવ્યું હતું.
ઉરાંગઉટાંગ પ્રજાતિના વાનર : આ અંગે સ્ટેચ્યુ ઓફ યુનિટીના CEO ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કેવડિયા જંગલ સફારી પાર્કમાં ત્રણ વિદેશી પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. જેમાં એક આફ્રિકન સફેદ સિંહ અને બે સિંહણ, બે જેગુઆર અને એક ઉરાંગઉટાંગ પ્રજાતિનો વાનર છે. ઇન્ડોનેશિયામાં આ ઉરાંગઉટાંગ પ્રજાતિના વાનર જોવા મળે છે. જ્યારે અમેરિકાના એમેઝોન જંગલમાંથી હિંસક જેગુઆર વસે છે. સાઉથ આફ્રિકામાં સફેદ સિંહ જોવા મળે છે. આ ત્રણેય પ્રજાતિઓ ભારતમાં જોવા મળતી નથી.
વિશેષ કુદરતી વાતાવરણ : ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, પ્રવાસીઓ ટૂંક સમયમાં આ વિદેશી પ્રાણીઓને જોઈ શકશે. ઉરાંગઉટાંગને બુધવારના રોજ ડિસ્પ્લેમાં મુકવામાં આવશે. તેના માટે દોરડાથી લઈને ઝાડ સહિતની કુદરતી વસ્તુઓ મૂકવામાં આવી છે, જેથી આ ઉરાંગઉટાંગને સારું વાતાવરણ મળી રહે. પ્રવાસીઓ ખુલ્લામાં હરતા ફરતા અને કુદતા પ્રાણીઓ જોઈ શકશે. એવી જ રીતે જેગુઆર અને સફેદ સિંહને પણ ખુલ્લામાં રખાયાં છે અને ત્રણેય પ્રાણીની દેખરેખ માટે ખાસ ટ્રેઇની કિપર રાખવામાં આવ્યા છે.