- મોરબીના કેટલાક ગામોને સિંચાઈના પાણીની સમસ્યા
- મોરબીના 17 અને માળીયાના 2 ગામની ખેતીને અસર
- 2 વર્ષથી કેનાલનું કામકાજ ચાલુ રહેતાં નથી મળતું પાણી
મોરબીઃ મોરબીના મચ્છુ-2 યોજનામાં ખેડૂતોને પાણી વિતરણ કરતી કેનાલમાં ડીપ ઈરીગેશન યોજના 3 વર્ષથી પણ પુર્ણ થઈ નથી અને સાઈફનના કામ અધૂરાં છે. લીફટ ઈરીગેશન માટેની વોટર કોચ (સીડી વર્કસ) કુંડી બનાવવાની બાકી છે અને એસ્ટીમેટ મૂજબના કામ થયેલા નથી. તેમ જ 100 મીટરથી વધુ લંબાઈના માઈનોર (ધોરીયા)ને એકથી વધુ વોટર કોચ (કુંડી) કરવામાં આવી નથી. રવિ પાક માટે પાણી છોડ્યું છે તે પહેલાં કેનાલ અને સાઈફોનની સફાઈ પણ થઈ નથી અથવા તો થઈ હોય તો ફક્ત કાગળ ઉપર જ થઈ છે. જેથી કેનાલના સાઈફનમાં કચરો ફસાઈ જતાં પાણી આગળ વધી શકતું નથી. જેના કારણે સિંચાઈ માટે પૂરતું પાણી મળતું નથી.
- ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયે વહેલી તકે કામ પૂર્ણ કરવામાં આવશે : અધિકારી
આ અંગે સિંચાઈ વિભાગના અધિ્ક્ષક ઈજનેર વિજય ભોરણીયાએ જણાવ્યું કે, મચ્છુ-2 કેનાલનું 80 ટકા કામ પૂર્ણ થયું છે. બાકીનું કોરોનાના લોકડાઉનના કારણે કામ થઇ શક્યું નથી. જેથી બાકી રહેતું 3 કરોડ રૂપિયાનું કામ નવી ટેન્ડર પ્રક્રિયા કરીને વહેલી તકે પૂર્ણ કરવામાં આવશે. 50 જેટલા સ્ટ્રક્ચર અને 200 જેટલી કુંડીનું કામ બાકી છે અને હાલ પાણી છોડવામાં આવ્યું છે અને મોરબી તાલુકાના 17 અને માળિયા તાલુકાના 2 ગામોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે છે.