- કંડલા બાયપાસ નજીક રાત્રીના સમયે લૂંટ
- પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી
- બે આરોપીને ઝડપી લઈને પૂછપરછ
મોરબી : કંડલા બાયપાસ નજીક રાત્રીના સમયે વાહનચાલકો પાસેથી રોકડ રકમ અને મોબાઈલની લૂંટ ચલાવવામાં આવી રહી છે. જે બનાવ અંગે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી. જેમાં વાહનચેકિંગમાં બે આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી હતી.
લૂંટમાં ગયેલ ચાર લાખની રોકડ રકમ , ત્રીજા આરોપી પાસે હોવાની કબુલાત
મોરબી જિલ્લા એસપી એસ.આર.ઓડેદરા અને DYSP રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ તાલુકા પોલીસ ઇન્સ્પેકટર એમ.આર ગોઢાંણીયાની ટીમે રવિરાજ ચોકડી નજીક વાહનચેકિંગ કર્યું હતું. જેમાં બુલેટ અને બાઈકમાં જતા બે આરોપીને ઝડપી લઈને સઘન પૂછપરછ કરતા કંડલા બાયપાસ નજીક તે બંને આરોપીએ અન્ય સાથીની મદદથી લૂંટને અંજામ આપ્યાની કબુલાત આપી હતી. જેથી તાલુકા પોલીસે આરોપી આશીફ રહીમ સુમરા અને આફતઅલી ઉર્ફે અજગર જાક્મ ભટ્ટીને દબોચી લઈને મોબાઈલ નંગ 06 કીમત રૂ 30,000, બે છરી અને બુલેટ કિંમત રૂ.1.50 લાખ અને મોટરસાયકલ સહીત કુલ 2.10 લાખની કિમતનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ બંને આરોપીના રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે.
લૂંટ થયેલ ચાર લાખની રોકડ સાથી પાસે હોવાની કબુલાત
મોરબી પોલીસે બે આરોપીનેે દબોચી લીધા છે તો અન્ય આરોપી નવાબ ઉર્ફે બોદીયો સિકંદર મેમણ હાલ ફરાર છે. જેની પાસે લૂંટ થયેલ 4 લાખની રોકડ રકમ હોવાની બંને ઝડપાયેલા આરોપીઓએ કબુલાત આપી હતી. તો પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર આરોપી નવાબ મેમણ પણ પોલીસના હાથમાં આવતા 4 લાખની રોકડ રકમ જલ્દીથી રીકવર કરવામાં આવશે.