- મોરબીના બે મોટા ગ્રુપ આવ્યા એક સાથે
- દેશનો સૌથી મોટો સિરામિક પ્લાન્ટ સ્થાપવા કવાયત
- 3 વર્ષમાં 1000 કરોડના ટર્નઓવરનું લક્ષ્ય
મોરબી : સિરામિક ઉદ્યોગ હબ મોરબીમાં આવેલા સિરામિક ક્ષેત્રનું અગ્રણી સનહાર્ટ ગ્રુપ ( Sunheart Group ) અને ઓરેવા (અજંતા) ગ્રુપ જોઈન્ટ વેન્ચરથી માત્ર મોરબી જ નહિ, પરંતુ દેશનો સૌથી મોટો પ્લાન્ટ કાર્યરત કરી રહ્યા છે. વિટ્રીફાઈડ ટાઈલ્સ ઉત્પાદન માટેની દેશની સૌથી મોટી ફેક્ટરી નજીકના ભવિષ્યમાં તૈયાર થશે અને 3 વર્ષના સમયમાં 1000 કરોડના ટર્નઓવરના લક્ષ્યાંક સાથે બન્ને અગ્રણી ગ્રુપ આગળ વધી રહ્યા છે. જે મોરબીના સિરામિક ઉદ્યોગ ( Ceramic Plant )ને નવી દિશા પૂરી પાડશે. મોરબીના 2 નામાંકિત ગ્રુપે હાથ મિલાવી દેશનો સૌથી મોટો સિરામિક પ્લાન્ટ સ્થાપવા માટે આયોજન કર્યું છે.
આ પણ વાંચો: સિરામિકના એક્સપોર્ટમાં સમગ્ર દેશમાં ગુજરાત આવ્યું અવ્વલ
3 વર્ષમાં 1000 કરોડનું ટર્નઓવરનો લક્ષ્યાંક
મોરબી સનહાર્ટ ગ્રુપ વર્ષોથી સિરામિક ક્ષેત્ર સાથે સંકળાયેલો છે અને ગ્રુપ હાલ 639 કરોડનું ટર્નઓવર ધરાવે છે, ત્યારે મોરબીના જાણીતા ઓરેવા (અજંતા) ગ્રુપ સાથે મળીને સિરામિક ક્ષેત્રે દેશનો સૌથી મોટો પ્લાન્ટ તૈયાર સ્થાપિત થવા જઈ રહ્યો છે. આ પ્લાન્ટ 3 વર્ષમાં 1000 કરોડ અને બાદના બીજા 2 વર્ષમાં ટર્નઓવર 1500 કરોડ સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું છે. પ્લાન્ટ તૈયાર થયા બાદ ઉત્પાદન ઝડપથી શરુ કરાશે અને દેશનો સૌથી મોટી સિરામિક પ્લાન્ટ બની રહેશે.
કચ્છના સામખીયારીમાં પ્લાન્ટ થશે તૈયાર
કચ્છ નજીક સામખીયારી પાસે 99 એકર જગ્યા પર દેશનો સૌથી મોટો સિરામિક પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. જે અંગે ઓરેવા (અજંતા) ગ્રુપના PRO દીપક પારેખએ જણાવ્યું હતું કે, જોઈન્ટ વેન્ચરથી પ્લાન્ટ તૈયાર થઇ રહ્યો છે, જે તૈયાર થયા બાદ સિરામિકનું પ્રતિદિન 51,000 સ્ક્વેર મીટર ઉત્પાદન શરુ કરાશે. વિટ્રીફાઈડ પ્લાન્ટ તૈયાર થવાને પગલે નવી રોજગારીનું પણ નિર્માણ થશે, જેમાં અંદાજે 576 જેટલા શ્રમિકો, 100 જેટલા સેમી ક્વોલીફાઈડ સ્ટાફ અને 50 ક્વોલીફાઈડ સ્ટાફ તેમજ 24 ઓફીસ સ્ટાફ સહીત 750 લોકોને સીધી રોજગારી મળશે. આ ઉપરાંત, ટ્રાન્સપોર્ટ અને અન્ય આનુસંગિક ઉદ્યોગ સહીત અપ્રત્યક્ષ હજારો લોકોને રોજગારી પ્રાપ્ત થશે.
આ પણ વાંચો: મોરબીમાં કોરોનાની અસર સિરામિક ઉદ્યોગ પર જોવા મળી, 90 જેટલા યુનિટો બંધ
લેટેસ્ટ મશીનરીનો ઉપયોગ કરાશે
મોરબીના 2 મોટા ઉદ્યોગ ગૃહોએ હાથ મિલાવીને જોઈન્ટ વેન્ચરથી સિરામિકનો સૌથી મોટો પ્લાન્ટ સ્થાપવા માટે તૈયારી શરુ કરી છે, જેમાં લેટેસ્ટ મશીનરીનો ઉપયોગ કરાશે. આ પ્લાન્ટમાં તબક્કાવાર અંદાજીત 270 કરોડનું રોકાણ કરવામાં આવશે. આથી, મોટાપાયે સિરામિક ટાઈલ્સનું ઉત્પાદન કરીને વિદેશમાં એક્સપોર્ટ પણ કરાશે. જેથી દેશમાં વિદેશી હુંડીયામણ આવવાથી રોજગારીની નવી તકો પ્રાપ્ત થશે, જે મોરબીના સિરામિક ઉદ્યોગને નવી દિશા પૂરી પાડનાર બની રહેશે.