મોરબી: હાલના સમયમાં પૈસાની લેતી દેતીના મામલે ગુના વધી રહ્યા છે. ત્યારે મોરબીના માળિયા ખાતે પૈસાની ઉઘરાણી બાબતે એક ઈસમનું અપહરણ થઈ જવાની ઘટના સામે આવી છે.
રાજકોટના રહેવાસી સુરેશચંદ્ર કૈલાશનારાયણ પરસરામપુરિયાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, માળિયાના લવણપુર નજીક મહારાજા સોલ્ટ વર્કસ ફેકટરીના તેઓ માલિક છે. તેઓ મીઠાનું ઉત્પાદન કરતી ફેક્ટરીનું સંચાલન કરે છે. જે કારખાનામાં કોન્ટ્રાકટર મનસુખ કોળીને લેવાના નીકળતા રૂપિયા મામલે આરોપી મનસુખ એભલ શિયાળ, રામ બાબુભાઈ કોળી, અમુ બાબુભાઈ કોળી, પ્રવીણ કોળી અને તેનો ડ્રાઈવર, રમેશભાઈ, બાબુભાઈ કોળી કુલ મળી 6 ઈસમોએ તેના પુત્ર દિનેશનું અપહરણ કરી ગયા હતા.
પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી મનસુખ કોળી લેબર કોન્ટ્રાકટર હોય જેને લેબર કામના સાડા પાંચથી છ લાખ બાકી નિકળે છે. આ મામલે તમામ 6 આરોપીએ કારખાનાના માલિક અને તેના પુત્ર દિનેશ સાથે મારામારી કરી હતી. બાદમાં ગાડી નં જીજે 36 બી 0920માં તેના પુત્ર દિનેશનું અપહરણ કરી ટીકર રણ બાજુ લઇ ગયા હતા. આ બનાવ મામલે હિટાચી ડ્રાઈવર ગોપુભાઈ લાલુભાઈ ભુરીયા જોઈ જતા બાબભાઈ આહીર રહે દહીંસરા વાળાને જાણ કરી હતી. જેને પોલીસને જાણ કરતા ટીકર રણથી લઇ આવેલા તમામ આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.