- રાજ્યમા વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતાતૂર બન્યા
- મોરબીમાં ખેડૂતોએ મગફળીનુ કર્યું પુષ્કળ વાવેતર
- ખેડૂતોને સરકાર પાસે સહાયની આશા
મોરબી: સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદ ખેંચતા ખેતીના પાકને લઈને ખેડૂતો ચિંતામાં છે. મોરબીના ખેડૂતો પણ ચિંતામાં છે. જો આગામી સપ્તાહમાં વરસાદ નહિ આવે તો ખેડૂતોને મોંમાં આવેલ કોળિયો છીનવાઈ જાય તેવી સ્થિતિનું નિર્માણ થશે. જેથી ખેડૂતોએ પાણી આપવા સરકાર પાસે માંગ કરી છે.
જો આગમી એક સપ્તાહમાં વરસાદ ન આવે તો ખેડૂતો માટે મુશ્કેલી વધશે
મોરબી જીલ્લામાં ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદનું આગમન મોડું થયું છે, જેમાં શરૂઆતમાં વરસાદ આવતા ખેડૂતોમાં સારી વાવણીની આશા જાગી હતી. જેને લઈને ખેડૂતોએ વાવણી કરી હતી. ટંકારા પંથકના ખેડૂતોએ મગફળી અને કપાસનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર કર્યું છે. જો કે આ વાવણી બાદ મેઘરાજાએ અચાનક જ ગાયબ થતા ચોમાસુ ખેંચાયું હતું, જેની સીધી અસર જગતના તાત પર જોવા મળી રહી છે.
મગફળી-કપાસનું પુષ્કળ વાવેતર
ટંકારા પંથકના હડમતીયા ગામના ખેડૂતોએ મગફળી-કપાસનું વાવેતર કરી દીધું છે અને તેની કૂપણો પણ ફૂટી નીકળી છે પરંતુ આગમી એક સપ્તાહમાં વરસાદ નહી આવે તો આ પાક નિષ્ફળ જાય તેવી ભીતિ સર્જાઈ છે..હડમતીયા ગામના ખેડૂતોએ જણાવ્યું હતું કે વરસાદ ખેંચાઈ જતા મોરબી જીલ્લાના ડેમની નજીક રહેલા ગામોને બાદ કરતાં અન્ય તમામ ગામના ખેડૂતો પર આફતના વાદળા મંડરાઈ રહ્યા છે જો આગામી સમયમાં વરસાદ નહિ આવે તો સરકાર દ્વારા ખેડૂતો માટે સિંચાઈ માટેના પાણીની વ્યવસ્થા કરવા અને યોજના બનાવવામાં આવે તેવી ખેડૂતોએ સરકાર સમક્ષ માંગ કરવામાં આવી છે.
જિલ્લાના ડેમની સપાટી
ડેમના નામ | કુલ ફુટ | હાલની સપાટી |
મચ્છુ 1 | 42 | 17.20 |
મચ્છુ 2 | 33 | 20.90 |
મચ્છુ 3 | 20.80 | 19.17 |
ડેમી 1 | 23 | 8.70 |
ડેમી 2 | 17.70 | 8.50 |
ડેમી 3 | 13 | 00 |
ધોડાધ્રોઈ | 17 | 10.80 |
બંગાવડી | 15.50 | 00 |
બ્રાહ્મણી | 27 | 15.20 |
બ્રાહ્મણી 2 | 17.60 | 12.50 |
આગામી સમયમાં આ જળાશયો અને ડેમોમાંથી જો વરસાદ ખેંચાય તો સિંચાઈ માટે પાણી માટે સરકાર દ્વારા કરવામાં આવેલા નિર્ણય આધારિત પાણી આપવામાં આવશે, હાલ તમામ ડેમોમાંથી જરૂરિયાત મુજબનું પાણી ખેડૂતોને સિંચાઈ માટે વિતરણ કરવાનું શરૂ કરવામાં આવ્યુ છે.