મોરબી : માળીયા તાલુકામાંથી પસાર થતી નર્મદાની ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાં ગાબડું પડ્યું હતું અને કેનાલમાં ગાબડાને પગલે નજીકના આશરે 200 વીઘા જેટલા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા. જેથી ખેડૂતોના પાકો બળી ગયા હતા. જે અંગે ખેડૂત દીપક ગઢવી જણાવે છે કે, કેનાલમાં ગાબડાથી આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. ખેડૂતોને કાયમી મુશ્કેલીનો સામનો કરવાનો જ આવે છે. અગાઉ કોરોના મહામારીએ ખેડૂતોને રડાવ્યા હતા તો બાદમાં તીડના આક્રમણે ખેડૂતોને નુકશાન કર્યું હતું. તે ઉપરાંત છેલ્લા બે વર્ષથી ખેડૂતોને પાકવીમો મળ્યો નથી. ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળતા નથી અને માંગે ત્યારે પાણી પણ મળતું નથી, તો કેનાલમાં પાણી છોડે ત્યારે ગાબડા પડતા નુકશાન વેઠવાનો વારો આવે છે. જયારે અન્ય ખેડૂત ભરતદાન ગઢવી જણાવે છે કે, કાલે રાત્રે શુક્રવારે ગાબડાની જાણ થતા સરપંચ અને નર્મદા નિગમને જાણ કરતા આજે બપોરે શનિવારે અધિકારીઓ આવ્યા હતા અને બાહેંધરી આપી હતી. જોકે, તેના ખેતરમાં ચાર વર્ષથી પાણીનો પ્રશ્ન હોવાનું પણ જણાવ્યું હતું.
આ કેનાલમાં ગાબડાને પગલે નિગમના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને સ્થિતિ અંગે માહિતી મેળવી હતી. જેમાં સૌરાષ્ટ્ર શાખા પેટા વિભાગના મદદનીશ ઈજનેર નીકુલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાત્રિના ગામના સરપંચે ફોન કરી જાણ કરી હતી. જોકે રાત્રિના પાણી ભરેલ હોવાથી સ્થળની મુલાકાત લઇ શકાય તેમ ન હતી અને પરિસ્થિતિનો તાગ મેળવવો મુશ્કેલ હતો. જેથી આજે વિઝીટ માટે આવ્યા હતા. તેમજ ખેડૂતોની માંગણીને ધ્યાને લઈને પાણી છોડ્યું હતું. દરમિયાન વરસાદ થતા અને સાયફન પાસે કચરો હોવાથી ગાબડું પડ્યું હતું. જે 3-4દિવસમાં રીપેરીંગ કરવાની બાહેંધરી આપી છે. તેમજ આ વિસ્તારમાં વાવેતર થયું નથી તેમ અધિકારીએ જણાવ્યું હતું.