મોરબીના લીલાપર ગામે રહેતા રામજીભાઈ ગીરધરભાઈ વાણંદ નામના યુવાનની તેના જ પાડોશી દ્વારા હત્યા કરવામાં આવી હતી. જેમાં મૃતકની પત્નીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વાણંદ દંપતી વચ્ચે ઝઘડો અને બોલાચાલીને પગલે અવાજ પાડોશીને સંભળાતો હતો. જેથી તેના પાડોશમાં રહેતા જનક કિશોરભાઈ આહીર નામના શખ્શે અગાઉ પણ ચેતવણી આપી હતી. અને બનાવના દિવસે દંપતી વચ્ચે ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થતા ફરિયાદીના પતિ રામજીભાઈને પાડોશમાં રહેતા જનક આહીર તેમજ અન્ય શખ્શો આવી યુવાનને માર માર્યો હતો. તેમજ રીક્ષામાં અપહરણ કરી બાદમાં યુવાનનો મૃતદેહ સિરામિક ઝોન પાસેથી હત્યા કરેલી હાલતમાં મળી આવ્યો હતો.
જે ફરિયાદને પગલે પોલીસે હત્યાના મુખ્ય આરોપી જનક કિશોર આહીર તેમજ અન્ય બેની અટકાયત કરી હતી. હત્યાના ગુન્હા અંગેનો કેસ મોરબી ડીસ્ટ્રીકટ સેસન્સ કોર્ટમાં ચાલતા જીલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાનીની દલીલો તેમજ રજૂ કરેલા દસ્તાવેજી પુરાવાને પગલે કોર્ટે મુખ્ય આરોપી જનક કિશોર આહીરને હત્યાના ગુન્હામાં દોષિત ઠેરવી આરોપીને આજીવન કેદની સજા અને ૧૦ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જયારે અન્ય બે આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.