મોરબીઃ મચ્છુ નદીમાં ડૂબેલા યુવાનનો 30 કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો હતો. મોરબીના લીલાપર રોડ પર મચ્છુ નદીમાં સ્નાન કરવા ગયેલા 3 મિત્રો પાણીમાં ડૂબવા લાગતા ફાયર ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર ટીમ દ્વારા 2 યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા. જો કે, એક યુવાન પાણીમાં લાપતા થઈ ગયો હતો. જેની શોધખોળ 30 કલાક સુધી ચલાવી હતી. આખરે રવિવારે યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો.
મોરબીના નવલખી રોડ યમુનાનગરમાં રહેતા રાજીવકુમાર નામના યુવાન અને તેના બે મિત્ર સાથે લીલાપર રોડ પર ફિલ્ટર પ્લાન્ટ પાસે મચ્છુ નદીમાં સ્નાન કરવા ગયા બાદ પાણીમાં ડૂબવા લાગ્યા હતા. મોરબી ફાયર ટીમને આ બાબતે જાણ કરવામાં આવતા બે યુવાનોને બચાવી લેવામાં આવ્યા હતા.
રાજીવનો ઉંડા પાણીમાં ગરકાવ થઈ જતા ફાયર ટીમે ભારે મહેનત કર્યા બાદ NDRF ટીમની પણ મદદ લીધી હતી. NDRF અને ફાયર ટીમના તરવૈયાઓએ શોધખોળ ચલાવી હતી. આખરે 30 કલાક બાદ યુવાનનો મૃતદેહ હાથ લાગ્યો હતો. બી ડીવીઝન પોલીસે આ બનાવની નોંધ કરી તપાસ કરી રહી છે.