ચાલુ માસમાં યોજાનારી બિનસચિવાલય ક્લાર્ક અને ઑફિસ આસિસ્ટન્ટની પરીક્ષાઓ રદ કરવામાં આવી છે, ત્યારે પરીક્ષા રદ કરવાના નિર્ણયના વિરોધમાં આજે જિલ્લા કલેકટર મારફત રાજ્યના સચિવને આવેદન પાઠવ્યું છે.
સ્પર્ધાત્મક પરીક્ષાર્થી હિત રક્ષક સમિતિ દ્વારા જિલ્લા કલેકટર મારફત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળના સચિવને આવેદન પાઠવી જણાવ્યું છે કે, ગુજરાત સરકારના માર્ગદર્શન હેઠળ કાર્યરત ગુજરાત ગૌણસેવા પસંદગી મંડળ દ્વારા વર્ષે 2019-20 માટે બિનસચિવાલય ક્લાર્ક અને ઓફીસ આસિસ્ટન્ટ વર્ગ 3ની ભરતી પ્રક્રિયા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવેલ અને લાખો ઉમેદવારોએ ભરતી પ્રક્રિયામાં ભાગ લઈને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે તૈયારીઓ કરી હતી.
ત્યારે તારીખ 20-10-19ના રોજ યોજાનાર પરીક્ષા હાલ પુરતી રદ કર્યાની જાહેરાત કરી હતી આ ભરતી પ્રક્રિયાને ધ્યાને લઈને ઉમેદવારોએ મહેનત કરી હતી તેમજ નાણાકીય બોજ પણ ઉઠાવ્યો હતો. ભરતી પ્રક્રિયા રદ થવાથી તમામ ઉમેદવારોમાં હતાશાની લાગણી જોવા મળે છે. તે ઉપરાંત ભરતી પ્રક્રિયાની જાહેરાતમાં દર્શાવેલ શૈક્ષણિક લાયકાતના ધોરણોમાં પણ ફેરફાર થયો છે જેથી યોગ્ય સમયમાં ઉમેદવારો તરફી નિર્ણય નહિ કરાય તો ગાંધી ચિંધ્યા માર્ગે ગુજરાતભરમાં આંદોલન કરવાની ફરજ પડશે. તેમ પણ અંતમાં જણાવ્યું હતું. આવેદન આપતી વેળાએ ઉમેદવારો સાથે NSUIના આગેવાનો પણ જોડાયા હતા અને વિદ્યાર્થી આંદોલનને ટેકો જાહેર કર્યો છે.