મોરબીઃ સરકારના નિયમાનુસાર સીસીસી પરીક્ષા પાસ કર્યાના આધારે જ ઉચ્ચતર પગાર ધોરણ મળે છે. પરંતુ ટંકારાના ચાર શિક્ષકોએ સીસીસી પરીક્ષા પાસ કર્યાના ખોટા આધારો ઉભા કરી સર્વિસ બૂકમાં ખોટી નોંઘ પાડી, લોકલ ફન્ડ ગાંધીનગરથી ઉચ્ચતર પગારધોરણ મંજૂર કરાવી ભ્રષ્ટાચાર અને ગેરરીતિ આચરીને શિક્ષકનેના શોભે તેવું કાર્ય કર્યું છે. GTU દ્વારા લેવાતી કોમ્પ્યુટર કૌશલ્ય સીસીસીની પરીક્ષાનું વ્યક્તિગત પરિણામ આવતું નથી. પરંતુ GTUની સાઈટ પર આ રીઝલ્ટ અપલોડ કરાય છે. જેમાં ટંકારામાં ફરજ બજાવતા ચાર શિક્ષકોએ ઓનલાઈન અપલોડ થયેલ રીઝલ્ટમાં છેડછાડ કરીને પાસ થયેલ ઉમેદવારની જગ્યાએ પોતાનું નામ ગોઠવીને પ્રિન્ટ કાઢી અને સર્વિસ બુકમાં સીસીસી પાસ કર્યાની એન્ટ્રી પડાવી લીધી છે.
ટંકારાના લજાઈના સીઆરસી કો ઓર્ડિનેટર અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના ઉપપ્રમુખ શૈલેશભાઈ સાણજાએ સીટ નંબર R 105788 પ્રમાણે સર્વિસ બૂકમાં સીસીસી પાસ કર્યાની નોંધ કરેલ છે પરંતુ વેબસાઈટમાં અન્ય નામ બતાવે છે. તેવી જ રીતે ટંકારાના વીરપર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા છાયાબેન વિરજીભાઈ માકસણા R 105620 સીટ નંબર ગણેશપર પ્રાથમિક શાળાના આચાર્ય વિરમભાઇ ખોડાભાઈ દેસાઈએ સીટ નંબર R 117184 અને ગણેશપર પ્રાથમિક શાળાના શિક્ષક ગંગાબેન રામજીભાઈ દેસાઈ સીટ નંબર R 117184 થી પાસ કર્યાની નોંધ કરેલ છે. પરંતુ વેબસાઈટમાં અન્ય શિક્ષકોના નામ આપેલ સીટ નંબરમાં બતાવે છે. આ ચાર શિક્ષકોએ વર્ષ 2013માં પરીક્ષા આપેલ ન હતી અને સર્વિસ બૂકમાં નોંધ કરાવેલ છે. જે બાબતે યોગ્ય તપાસ કરાય તો સત્ય બહાર આવશે.
આ મામલે મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે મારી પાસે નનામી અરજી આવી છે જે બાબતે તપાસ ચાલુ કરી છે. તો અન્ય તમામ શિક્ષકોના સર્ટિફીકેટ વેરીફિકેશન કામગીરી શરુ કરવામાં આવી છે. જે કામ પૂર્ણ કર્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.