મોરબી: મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામું આપી દીધા બાદ હવે બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાય તેવી ચર્ચાએ ચારેકોર જોર પકડ્યું છે અને સ્થાનિક રાજકારણ ગરમાયું છે.
ત્યારે હવે પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના સમર્થકોએ સોશિયલ મીડિયામાં કેમ્પેઈન શરૂ કર્યું છે. રાજ્યસભા ચૂંટણી પૂર્વે ધારાસભ્ય બ્રિજેશ મેરજાના રાજીનામાને પગલે રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ નબળો પડ્યો છે અને હવે બે ઉમેદવાર જીતાડી શકવાના કોંગ્રેસના સ્વપ્ન પર પાણી ફરી વળ્યું છે.
જો કે, હવે ભાજપ કોંગ્રેસને બદલે ભાજપ વિરુદ્ધ ભાજપનું યુદ્ધ જામે તેવી સંભાવના નકારી શકાતી નથી. કારણ કે, આગામી દિવસોમાં બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાય તેવી શક્યતાને ધ્યાને લઈને પૂર્વ ધારાસભ્ય કાન્તિલાલ અમૃતિયાના સમર્થકો મેદાને આવ્યા છે. કહો દિલસે કાન્તિલાલ ફિર સે નામે સોશિયલ મીડિયામાં કેમ્પેઈન શરૂ કર્યું છે.
જે કેમ્પેઈન સંભવિત બ્રિજેશ મેરજાના ભાજપ પ્રવેશને લઈને ચાલી રહ્યું હોય તેવું નિષ્ણાંતો માની રહ્યા છે. કારણકે જો બ્રિજેશ મેરજા ભાજપમાં જોડાય અને પક્ષ તેમને પેટા ચૂંટણીમાં ટિકિટ આપે તો છેલ્લા બે દાયકા કરતા વધુ સમયથી તેઓ મોરબીના રાજકારણમાં પ્રભુત્વ ધરાવે છે. પરંતુ જો પક્ષ બ્રિજેશ મેરજાને ટીકીટ આપે તો પછી પૂર્વ ધારાસભ્યનું પક્ષમાં મહત્વ ખાસ કાઈ રહે નહી તે સમર્થકો પણ જાણતા અને સમજતા હોય જેથી પાણી પહેલા પાળ બાંધવાની રણનીતિ અનુસાર કેમ્પેઈન શરૂ કરી દીધું છે.