મોરબીઃ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી. જેમાં અનેક મુદ્દાઓ આવરી લેવાયાં હતાં. હાલ ભારે વરસાદને પગલે પાકને થયેલા નુકશાનીનો સર્વે કરાવી વળતર આપવા ઠરાવ પસાર કરાયો હતો. મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા જિલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, ડીડીઓ પરાગ ભગદેવ અને ડેપ્યુટી ડીડીઓ ગોહિલની ઉપસ્થિતિમાં યોજાઈ હતી. જેમાં 5 સભ્યો ગેરહાજર રહ્યાં હતાં.
સામાન્ય સભામાં 29 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી સામાન્ય સભાની બેઠકના ઠરાવોની અમલવારીને મંજૂરી આપવામાં આવી હતી. આમરણ ચોવીસી વિસ્તારમાં અતિ ભારે વરસાદ તેમ જ આજી 4 યોજનાના દરવાજા ખોલવાથી ખેતરોમાં વાવેતર કરેલ પાકને નુકશાન થયું છે અને પાક ધોવાણ થયું છે. જેથી તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા ચેરમેન અમુભાઈ હુંબલે પ્રસ્તાવ રજૂ કર્યો હતો. જેને મંજૂરી આપીને પાક નુકશાનીનો સર્વે કરી સહાય ચૂકવવા ઠરાવ કરવામાં આવ્યો હતો.