મોરબી જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે કુલ 3 લાખ 21 હજાર હેક્ટરમાં મુખ્યત્વે કપાસ, મગફળી, એરંડા, અડદ અને તલી જેવા પાકોનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં કપાસનું 1 લાખ 84 હજાર, મગફળીનું 14 હજાર, તલનું 18 હજાર અને એરંડાનું 20 હજાર હેક્ટર ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જો કે, છેલ્લા ત્રણ દિવસથી સતત વરસી રહેલા વરસાદને પગલે પાકોને નુકસાન જવાની ભીંતિ સેવાઈ રહી છે.
આ બાબતે મોરબીના ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે, ભાદરવાના છેલ્લા સમયમાં થયેલા વરસાદથી પાકોને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જો કે, વરસાદ બંધ થાય અને સર્વે બાદ જ સાચી સ્થિતિ જાણી શકાશે. કારણ કે, મોરબી તાલુકામાં આ વર્ષે વરસાદે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ વર્ષે પાકમાં નુકસાન થતાં ખેડૂતો પણ જણાવે છે કે, કપાસમાં એક વિઘામાં 3 હજાર, મગફળીમાં એક વિઘામાં 5 હજાર જેટલો ખર્ચ ખેડૂતોએ કર્યો છે. સતત વરસાદથી નુકસાનીની ચિંતા ખેડૂતોને સતાવી રહી છે.
ખેત મજુરી સાથે જોડાયેલા શ્રમિકો પણ જણાવે છે કે, હાલ વરસાદથી મજૂરી કામ ઠપ્પ થતાં શ્રમિક પરિવારો પણ મુશ્કેલીમાં મુકાયા છે. જો વરસાદ બંધ થાય તો તેમને ખેતરમાં મજૂરી કામ મળી રહે.
આમ ચાલુ વર્ષે સારા વરસાદથી ખેડૂતોએ હોંશભેર વાવેતર તો કર્યું હતું, પરંતુ મેઘરાજાએ કહેર વરસાવી ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું હતું. તંત્ર પણ વરસાદ બંધ થાય તેની રાહ જોવે છે કરાણ કે, ત્યારબાદ જ નુકસાનીનો સર્વે કરી સાચા આંકડાઓ જાણી શકાશે, ત્યારે ખેડૂતોને લાગી રહ્યું છે કે, આ વર્ષે 50 ટકા જેટલું નુકસાન સહન કરવું પડશે. હવે સરકાર દ્વારા સમયસર સહાય મળે તેવી આશા ખેડૂતોમાં જોવા મળી રહી છે.