મોરબી : લોકડાઉન વચ્ચે રસ્તાઓ પર ફરતા લોકોને પોલીસ ધોકા ફટકારે છે. કડક વલણ દાખવે છે. તેવી ફરિયાદો સાંભળવા મળી રહી છે. જોકે પોલીસની માનવતાથી ભરેલો બીજો ચહેરો સામાન્ય લોકો જોઈ શકતા નથી. પોલીસની અંદરનો માણસ સતત જીવે છે જે લાચાર અને મજબુર લોકોની મદદ કરતા જરા પણ અચકાતો નથી. આવો જ કિસ્સો આજે મોરબીમાં જોવા મળ્યો હતો જેમાં. બેલા ગામની સગર્ભા મહિલા મોરબી ચેકઅપ માટે આવ્યા હતા અને રૂટીન ચેકઅપ કરાવ્યું હતું. બાદમાં તેને ઘરે જવા માટે કોઈ વાહન ના મળતા મુશ્કેલીમાં મુકાયા હતાં.
મોરબીના નહેરુ ગેઇટ ચોક પાસે ફરજ બજાવતા અમુભાઈ ખાંભરાના ધ્યાને આવતા તેમણે મહિલાની મદદ કરવાનું નક્કી કર્યું હતું. હાલના સમયમાં વાહનની વ્યવસ્થા કરી સકાય તેમ ના હોય જેથી પોલીસ જવાને પોતાની ખાનગી કારમાં મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડી હતી. આ મદદથી ગદગદીત થયેલી સગર્ભા મહિલા અને તેના પરિવારે પોલીસનો આભાર માન્યો હતો.