મોરબીઃ જિલ્લામાં PM કિસાન લાભાર્થીઓ માટે રાહતવાળી સંસ્થાકીય ધિરાણની સાર્વત્રિક પ્રવેશની સુવિધા માટે એક ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં PM કિસાન લાભાર્થીઓને રાહતવાળા સંસ્થાકીય ધિરાણનો લાભ મેળવવા માટે કિસાન ક્રેડિટ કાર્ડ કાઢી આપવા માટેની સુવિધા બેંક મારફતે ઉપલબ્ધ કરવામાં આવશે.
આ યોજનામાં અત્યાર સુધી ખાતા દીઠ ખેડૂતોને લાભ અપાતો હતો. તેના બદલે પરિવાર દીઠ આ લાભ હવેથી ઉપબલ્ધ કરાશે. આ યોજનાનો લાભ હવેથી પશુ પાલકો, મત્સય ઉદ્યોગ ક્ષેત્રે સંકળાયેલા ખેડૂતોને પણ મળશે. જે ખેડૂતો કેસીસી ધારક છે અને પશુપાલન અને મત્સય ઉદ્યોગ પ્રવૃતિ કરે છે તે વધારાની મર્યાદાની મંજૂરી માટે બેંક શાખામાં સંપર્ક કરી શકે છે. પ્રોસેંસિગ, દસ્તાવેજી કરણ, નિરિક્ષણ અને ખાતાકીય ફોલિયો ચાર્જ તેમજ રૂપિયા 3 લાખ સુધીની કેસીસી લોન માટેના અન્ય સર્વિસ ચાર્જ સહિતના તમામ ચાર્જ માફ કરાયા છે.
મોરબી જિલ્લામાં PM કિસાન ક્રેડિટ કાર્ડના કુલ 97,871 લાભાર્થીઓ છે. જેમાંથી 80,879 લોકોના કાર્ડ નીકળી ગયા છે. જ્યારે 17,100 લોકોના કાર્ડ કાઢવાના બાકી છે. આ અંગે અધિક જિલ્લા કલેક્ટર કેતન જોશીએ જણાવ્યું હતું કે, બાકી રહેલા લાભાર્થીઓને 23મી ફેબ્રુઆરી સુધીમાં કાર્ડ કાઢી આપવામાં આવનાર છે. 18મી સુધી લીડ બેન્ક, નાબાર્ડ સહિતની બેંકોમાં કેમ્પો રાખવામાં આવશે. ત્યારબાદ તલાટીઓ તેમજ ગ્રામસેવકો ગામે ગામ કોઈ ખેડૂત બાકી રહી જતા નથી તે ચકાસશે અને જો કોઈ ખેડૂત બાકી હશે તો તેને આ યોજનાનો લાભ અપાવશે. આમ 23મી સુધીમાં PM કિસાન ક્રેડિટ કાર્ડની કામગીરી સંપૂર્ણ રીતે પુરી કરી દેવામાં આવશે.