- મોરબીમાં પાટીદાર સમાજ માટે પાટીદાર કોરોના કેર સેન્ટર કાર્યરત
- જરૂરિયાતમંદોને અપાશે સારવાર
- 24 કલાક ડોક્ટર પણ રહેશે કાર્યરત
મોરબીઃ મોરબી જીલ્લામાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા અનેક કામગીરી કરવામાં આવી રહી છે. મોરબી પાટીદાર સમાજ દ્વારા આવકારદાયક પહેલ કરીને પાટીદાર સમાજ માટે પાટીદાર કોરોના કેર સેન્ટર જોધપર ગામ ખાતે શરુ કરવામાં આવ્યું છે. જેમાં 100 જેટલા કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર તેમજ અન્ય સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મોરબી પાટીદાર સમાજ દ્વારા જોધપર ગામ પાસે આવેલા કડવા પાટીદાર વિદ્યાર્થી ભવન ખાતે પાટીદાર કોરોના કેર સેન્ટર શરુ કરવામાં આવ્યું છે. જે કાર્યક્રમમાં મહંત ભાણદેવજી મહારાજ, સિરામિક એસો અગ્રણીઓ, પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાટીદાર કોરોના કેર સેન્ટરમાં જરૂરિયાતમંદ પરિવારો જે હોસ્પિટલની સારવારનો ખર્ચ કરવા સક્ષમ ન હોય અને ઘરમાં હોમ આઈસોલેટ થવાની વ્યવસ્થા ન હોય તેને સારવાર આપવામાં આવશે.
પાટીદાર કોરોના કેર સેન્ટર ખાતે MD ડોક્ટર 24 કલાક કાર્યરત રહેશે. તે ઉપરાંત જરૂરિયાત મુજબનો પેરા મેડીકલ સ્ટાફની પણ વ્યવસ્થા છે. આ સાથે જ દર્દીઓ માટે ઉકાળા, ચા-પાણી, નાસ્તો, ભોજન અને ફ્રુટ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે.