મોરબીઃ જિલ્લામાં કોરોનાનો ફરી પગપેસારો જોવા મળ્યો છે. વાંકાનેરના વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી હતી અને તકેદારીના ભાગરૂપે દર્દીના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 42 ઘરના 250 લોકોને આવરી લેવાયા છે.
વાંકાનેરના 62 વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને રાજકોટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. આ સાથે જ આરોગ્ય તંત્ર દોડતું થયું છે. તંત્ર દર્દીના રહેણાંક વિસ્તાર વાંકાનેરના અરુણોદય સોસાયટી પહોંચ્યું હતું અને આ વિસ્તારને હાલ કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલો છે. જે વિસ્તારના 42 ઘરના 250 લોકોને આવરી લેવાયા છે. આ ઉપરાંત વિસ્તારને સેનેટાઈઝ કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
કોરોના પોઝિટિવ આવેલો દર્દી પેટ્રોલપંપના સંચાલક હોય જેથી હાલ પેટ્રોલ પંપ સીલ કરાયો છે અને સ્ટાફના સભ્યોની આરોગ્યની ચકાસણી કરવામાં આવશે. આ ઉપરાંત કોરોનાગ્રસ્ત દર્દીના સંપકર્માં આવેલા ડોક્ટરને હોમ ક્વોરનટાઈન કરવામાં આવશે.