મોરબીઃ મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ રાઘવજીભાઈ ગડારાએ કોંગ્રેસની નિષ્ફળતા અંગે પ્રહારો કરી જણાવ્યું કે, મોરબી નગરપાલિકાનું બજેટ બોર્ડ તાજેતરમાં મળેલું જેમાં કોંગ્રેસ શાસિત નગરપાલિકાના કોંગ્રેસના જ ચૂંટાયેલા સદસ્યો ગેરહાજર રહી બજેટ મંજૂર થવા દીધું નથી. બોર્ડમાં બજેટ મંજૂર થાય તો શહેરની પ્રજાના વિકાસલક્ષી કાર્યો થઇ શકે. ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને નગરપાલિકાના ભંડોળમાં કરોડો રૂપિયા જમા હોય તેમ છતાં બજેટ મંજૂર ન થતાં હાલ ચાલી રહેલી કોરોના મહામારી તેમ જ અતિવૃષ્ટિ જેવી વિકટ પરિસ્થિતિમાં પણ કોંગ્રેસના પાપે આ કરોડો રૂપિયાના ભંડોળનો ઉપયોગ વિકાસના કામો માટે થઈ શકતો નથી.
ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો પણ પ્રજાના હિતમાં અને વિકાસના કામ માટે બજેટ મંજૂર કરાવવા પૂરેપૂરો સહકાર આપવા તૈયાર હોય પરંતુ જે સત્તા ઉપર છે તે કોંગ્રેસ પાર્ટીના ચૂંટાયેલા સદસ્યો જ બોર્ડમાં ગેરહાજર રહી કેમ બજેટ મંજૂર થવા દેતાં નથી ? તેવો સવાલ કર્યો હતો. આ બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ, શહેર કોંગ્રેસ પ્રમુખને ખબર નથી. તેમ જ જો જાણ હોય તો ગેરહાજર સભ્ય સામે કડક પગલાં કેમ નથી લેવાયાં તેવા પ્રશ્નો પૂછ્યાં છે અને કોંગ્રેસ પાર્ટી પ્રજા સમક્ષ મત માગવા જશે ત્યારે પ્રજા તેને પ્રશ્ન પૂછશે તેમ પણ જણાવ્યું હતું.