મોરબી જિલ્લા આઉટસોર્સ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું હતું કે, આઉટસોર્સ કર્મચારીઓ એજન્સી થકી જુદા જુદા તાલુકાઓમાં કોમ્પ્યુટર ઓપરેટર, સેવક, ડ્રાઈવર અને સફાઈ કામદાર તેમજ ચોકીદાર તરીકે વિવિધ કચેરીમાં ફરજ બજાવે છે.રેગ્યુલર કર્મચારીઓ સાથે આઉટસોર્સ કર્મચારીઓ પણ ખંતપૂર્વક કામગીરી કરે છે અને ફરજ નિભાવી રહ્યા છે.
આઉટસોર્સ કર્મચારીઓને રવિવારની રજા બાદ કરતા કુલ 26 દિવસનો પગાર ચૂકવાય છે તેમજ રજાના દિવસોમાં પણ ફરજ બજાવતા હોય છે છતાં કર્મચારીઓને ચુકવાતું વેતન ખુબ ઓછું છે.
પગાર,દિવાળી બોનસ અને PF ચુકવવામાં આવતું નથી, એજન્સી તરફથી આઉટસોર્સ કર્મચારીઓ એજન્સીમાં જોડાયા ત્યારથી આજદિન સુધી PF ખાતા નંબર તથા પગાર બીલની સ્લીપ કર્મચારીને મળી નથી.ટેલીફોનીક અને એજન્સીને રૂબરૂ જાણ કરવા છતાં માંગણીઓ પૂરી કરવામાં આવી નથી જેથી બાકી રહેતો પગાર, દિવાળી બોનસ અને PF ચુકવવામાં નહિ આવે તો બધા આઉટસોર્સ કર્મચારીઓ 1 જાન્યુઆરીથી કચેરી કામગીરીથી દુર રહીશું તેમ જણાવ્યું હતું.