મોરબીઃ સિરામિક ઉદ્યોગ વિશ્વના અનેક દેશો સાથે ટાઈલ્સનો વેપાર કરે છે. મોરબીમાં બનતી ટાઈલ્સ વિશ્વના અનેક દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે. ઉપરાંત હવે સિરામિક ઉદ્યોગ સ્લેબનું ઉત્પાદન પણ મોટાપાયે કરે છે અને સિરામિક ઉદ્યોગના પ્રતિસ્પર્ધી ચીનને પણ મોરબીથી સ્લેબનું ઈમ્પોર્ટ કરવું પડે છે, તો બીજી તરફ ચીન પાસેથી મોરબીનો સિરામિક ઉદ્યોગ મશીનરીની ખરીદી કરે છે. જેથી બંને દેશના વેપારીઓ, ઉદ્યોગપતિ અને ટેકનીશિયનોની મુલાકાતો થતી રહે છે.
આવી સ્થિતિમાં મોરબીના ઉદ્યોગપતિઓ પોતાના વેપાર ધંધા માટે, એક્ઝીબિશન અને વેપારના પ્રમોશન માટે ચીન જતા હોય છે. ઉપરાંત મોરબીના સિરામિક ઉદ્યોગમાં પણ ચીનની આધુનિક મશીનરી ઉપયોગમાં લેવાય છે. જેથી મોરબીના ઉદ્યોગપતિઓ ચીનની મુલાકાતે સતત જતા હોય છે. જો કે, હાલ કોરોના વાયરસની મહામારીની સ્થિતિમાં ચીનની મુલાકાત લેવી હિતાવહ નથી અને આ વાયરસની ઝપેટમાં આવી જવાનો સૌ કોઈને ભય સતાવે છે, ત્યારે સિરામિક ટાઈલ્સ અને સ્લેબના વેપારને પણ આ મહામારીની અસર થશે, જેથી મોરબીના ઉદ્યોગને આર્થિક ફટકો પહોંચે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.
કોરોના વાયરસની સ્થિતિ અંગે મોરબીની એકોર્ડ ફેકટરીના સંચાલક સાગરભાઈ પટેલ જણાવે છે કે, તેઓ સ્લેબનું મોટાપાયે ઉત્પાદન કરે છે અને ચીનમાં એક્સપોર્ટ કરતા હોય છે જો કે, હાલ વાયરસ ફેલાવાથી તેઓ માર્કેટિંગ કે બિઝનેશ પ્રમોશન માટે જઈ શકે તેમ નથી. જેથી વેપારને અસર થશે અને આ મહામારીને પગલે લાંબાગાળે સિરામિક ઉદ્યોગને આર્થિક ફટકો પહોંચે તેવી સ્થિતિની ચિંતા ઉદ્યોગપતિઓને સતાવી રહી છે.
જયારે મોરબી વિટ્રીફાઈડ એસોના પ્રમુખ મુકેશભાઈ ઉધરેજા જણાવે છે કે, મશીનરી ખરીદી, વેપાર પ્રમોશન અને એકઝીબિશન માટે ઉદ્યોગપતિઓ ચીન જતા હોય છે. તેમજ મોરબીમાં વપરાતી ચીની મશીનરી માટે 100 થી વધુ ટેકનીશીયનો પણ મોરબીમાં વસવાટ કરતા હોય છે જો કે, હાલ વેકેશન ને પગલે તમામ ટેકનીશીયનો પોતાના વતન ચીનમાં જ હોવાનું જાણવા મળ્યું છે.
મોરબીના ઉધોગપતિઓ પાસેથી મળતી વિગત મુજબ કોરોના વાયરસ જે ચીનમાં અસર થઇ છે. જેના લીધે હાલ અસર તો નથી પણ જો આ રોગ વધુ સમય ચાલે તો આ ઉધોગ ને પણ તેની અસર થશે તે વાત નકારી શકાય નહી.