મોરબી: કોરોના મહામારીને પગલે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. તે દરમિયાન શિક્ષકોને ભારે મુસીબતની સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે મોરબીની ઓમ શાંતિ સ્કૂલના શિક્ષકોને જુન માસ સુધી પગાર ચૂકવાયા હતાં. જોકે, હવે સરકારે ફી નહિ લેવાનો આદેશ આપ્યો હોવાથી જેની અસર શિક્ષકોના પગાર પર પડી છે. જેને પગલે હવે ઓમ શાંતિ સ્કૂલના શિક્ષકોએ જન્માષ્ટમી સ્પેશ્યિલ ફરસાણનો વેપાર શરુ કરી દીધો છે. જેનું નામ પણ ઓમ શાંતિ ફરસાણ રાખવામાં આવ્યું છે.
શાળાના 10 જેટલા શિક્ષકો ફરસાણની વિવિધ આઈટમ બનાવી તેનું વેચાણ કરીને પરિવારનું ગુજરાન ચલાવવા મથામણ કરે છે, તો તેમાં 2થી 3 શિક્ષિકાના ઘરમાં આર્થિક મુશ્કેલી હોવાથી તેને પહોંચી વળવા માટે અન્ય શિક્ષિકાઓ મદદે આવી છે. જેઓ શાળાના વર્ગખંડમાં જ ફરસાણ બનાવી રહ્યા છે, તો શાળાના આચાર્યએ અન્ય કોઈ સ્થળે બનાવવા કરતા સ્કૂલમાં જ બનાવીને વેપાર કરવા જણાવ્યું હતું.
એક શિક્ષિકાએ જણાવ્યું હતું કે, વાલીઓનો અમને સપોર્ટ મળતો નથી અમે તેના બાળકોને તમામ પરિસ્થિતિને પહોચી વળવા માટે સક્ષમ બનાવી છીએ, પરંતુ અમારે મુસીબત છે ત્યારે તેઓ અમને મદદ કરી રહ્યા નથી. જેથી આજે વિધાર્થીઓનું ભાવિ નક્કી કરનાર શિક્ષકો કંદોઈ બની ગયા છે.
એક ગ્રાહક જણાવે છે કે, શિક્ષિકાઓ ફરસાણ સારું બનાવે છે અને અમે તેને આર્થિક મદદના કરી શકીએ, પરંતુ આ રીતે મદદ કરીને તેની મુશ્કેલી ઓછી થઇ શકે તે માટે પ્રયત્નો કરીએ છીએ. કહેવાય છે કે, શિક્ષિકો સર્જન અને વિનાશ કરી શકે છે, પરંતુ હાલમાં કોરોનાની મહામારીને પગલે શિક્ષકોની હાલત દયનીય થઇ ગઇ છે. સરકારની સૂચના બાદ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખીને સાથે સાથે કંદોઈની માફક ફરસાણ પણ બનાવી રહ્યાં છે.