મોરબીમાં વેપારીઓને ફોન પર પોલીસની ઓળખ આપીને ધમકી આપતા શખ્સો વિરૂદ્ધ દિલીપ કુમાર ગુલાબચંદ ધોળકીયાએ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જુનું સોનું ખરીદી કરેલું હોય જે ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપીને રૂપિયા પડાવતા હોવાની ફરિયાદને પગલે એલસીબી ટીમે તપાસ ચલાવી હતી અને ટેકનીકલ ટીમની મદદથી આરોપીને ઝડપી પાડ્યા હતા. આરોપી કિશન પ્રભુભાઈ દેશાણી (રહે વાંકાનેર) અને પરવેજ ઉર્ફે એસાન ઉર્ફે ભોળો અનવર હુશેન કાજી (રહે રફાળેશ્વર મોરબી મૂળ ટંકારા)ને ઝડપી લઈને તેની પાસેથી બે મોબાઈલ જપ્ત કર્યા હતા.
આરોપી કિશન દેશાણી સામે અગાઉ સુરેન્દ્રનગર પોલીસ સ્ટેશનમાં પણ ગુનો નોંધાયેલો છે. તો પોરબંદર અને રાજકોટ જિલ્લામાં પણ સોની વેપારીઓને ધમકાવીને પૈસા પડાવ્યા હોવાની કબૂલાત આરોપીએ કરી હતી. આરોપીઓ ગૂગલ પરથી સોની કામ કરતા વેપારીના નામ અને નંબર તેમજ દુકાનના નામ સરનામાં મેળવીને પોલીસના નામે ફોન કરીને ધમકી આપતા હતા. આ રીતે વેપારીઓ પાસેથી પૈસા પડાવી લેતા હોવાનો ખુલાસો આરોપીએ કર્યો હતો.
ફરિયાદી દિલીપકુમાર ધોળકીયાએ જણાવ્યું હતું કે, તેને એક વર્ષથી અવારનવાર ધમકીઓ મળતી હતી. છેલ્લે આરોપીઓએ 8000 પહોંચાડી દેવા જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ પ્રકારના બનાવો અન્ય વેપારીઓ સાથે પણ બન્યા હતા.