હળવદ તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી કેનાલ લીકેજ અને ઓવરફ્લો થવાને કારણે ખેડૂતોના ખેતરમાં પાણી ઘુસી ગયા હતા. તો હવે તે જ પાણીએ હળવદ તાલુકાના કીડી ગામ નજીક રણમાં અગરિયાઓની મહેનત પર પાણી ફેરવ્યું છે.
કોડી ગામના સરપંચ જણાવે છે કે, અમારા કીડી ગામ નજીક આવેલા રણ વિસ્તારમાં છેલ્લા 25 દિવસથી 10 કિમી જેટલા વિસ્તારમાં અગરિયાઓના પાળામાં પાણી આવી ગયા હતા. જેથી અગરિયાઓએ જે મહેનત કરી છે તેમાં હવે મીઠું પાકે તેમ નથી.
આ અંગે અગરિયાઓ જણાવે છે કે, સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવે છે. પરંતુ પાણીનો વેડફાટ થાય છે. જેથી રણમાં પાણી ભરાઈ છે અને અમારે મોટી નુકસાની આવે છે. અત્યારે જે મીઠું પકવ્યું છે જેમાં એક પણ પાળમાં મીઠું પાકશે નહીં.
તો હળવદ TDOએ જણાવ્યું હતું કે, અગરિયાઓમાં પાણી ઘુસી ગયા છે. તે અમને જાણ થઈ છે. અમને સંબધિત અધિકારીને જાણ કરી અગરિયાઓનો રાહત મળે તેવા પ્રયાસો કરશું. મીઠું પકવતા અગરિયાઓ એક પાળો બનાવવા માટે મજૂરી, ટ્રેક્ટર, સોલાર સહિતનો 50,000 જેટલો ખર્ચ કરે છે. પરંતુ મીઠું તૈયાર થઈ જાય પછી મીઠાના પૂરતા ભાવ મળતા નથી અને તેમાં પણ કેનાલના પાણી મીઠાના અગરિયાઓમાં ઘુસી જતા અગરિયાઓનો 30 ટકા મીઠું પણ તૈયાર થશે નહીં. જેથી કેનાલના પાણીએ ખેડૂતોને રડાવ્યા બાદ અગરિયાઓની મહેનત પર પાણી ફરી ગયું છે.